સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (10:42 IST)

સબરીમાલાના મંદિર વિવાદ પર આજે ચુકાદો : અત્યાર સુધી શું-શું થયું?

ટીમ બીબીસી ગુજરાતી
નવી દિલ્હી
 
રામજન્મભૂમિ- બાબરી મસ્જિદના વિવાદ બાદ સબરીમાલા સંબંધિત જૂની પરંપરા સાથે સંકળાયેલા ભક્તોની નજર હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે.
કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર રોક છે કારણકે આ આયુવર્ગની મહિલાઓને જ પિરિયડ આવે છે.
લિંગ આધારિત સમાનતાના મુદ્દે કેટલાંક મહિલા વકીલોના એક સમુદાયે વર્ષ 2006માં અદાલતમાં યાચિકા દાખલ કરી હતી.
જોકે હિંદુ ધર્મમાં પિરિયડ્સ દરમિયાન મહિલાઓને 'અપવિત્ર' માનવામાં આવે છે અને ઘણાં મંદિરોમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવે છે.
સબરીમાલા મંદિરના અધિકારીઓએ આ પહેલાં દાવો કર્યો હતો કે તેઓ આ પરંપરામાં માને છે કેમ કે આ મંદિર અયપ્પા ભગવાનનું છે અને તેઓ 'અવિવાહિત' હતા.
એક મોટો વર્ગ એવો છે જેઓ આ પ્રતિબંધનું સમર્થન કરે છે. આ વર્ગ દ્વારા તર્ક રજૂ કરવામાં આવે છે કે આ પરંપરા ઘણાં વર્ષોથી ચાલી આવે છે.
તેમનું એવું પણ કહેવું છે કે શ્રદ્ધાળુઓએ આ મંદિરમાં આવવા માટે ઓછામાં ઓછા 41 દિવસ સુધી વ્રત રાખવું પડે છે અને શારીરિક કારણોસર જે મહિલાઓને પિરિયડ્સ આવતા હોય તેઓ વ્રત કરી શકતી નથી.
 
સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?
સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2018માં સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ હઠાવવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટના પ્રમાણે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ એ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે.
સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ પ્રમાણે દરેકને કોઈ પણ ભેદભાવ વગર મંદિરમાં પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ.
જસ્ટિસ નરીમનનું કહેવું હતું કે સબરીમાલા મંદિર કોઈ ધાર્મિક સંપ્રદાય નથી કે તેઓ કોઈ જૂની પરંપરાને યથાવત્ રાખી શકે.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે દરેક માટે એક સરખો અધિકાર હોવો જોઈએ, નૈતિકતાનો ફેંસલો કેટલાક લોકો ન લઈ શકે.
જોકે જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાનો મત જુદો હતો. તેમનો મત હતો કે કોર્ટે ધાર્મિક માન્યતાઓમાં દખલ ન કરવી જોઈએ.
 
બે મહિલાઓનો મંદિરપ્રવેશ
આ વર્ષે જાન્યુઆરીમાં બે મહિલાઓએ સ્વામી અયપ્પાના સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જેનો કોચી સહિત વિવિધ સ્થળોએ વિરોધ થયો હતો.
સુપ્રીમ કોર્ટના 28 સપ્ટેમ્બરે મહિલાઓના પ્રવેશને અનુમતી આપી એ પછી આ મહિલાઓએ પોલીસકર્મીઓ અને કાર્યકર્તાઓની સુરક્ષા સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
મહિલાઓના પ્રવેશ બાદ મંદિરના પૂજારી દ્વારા દ્વાર બંધ કરવામાં આવ્યા હતા અને પૂજારીએ 'શુદ્ધીકરણ' બાદ દ્વારા ફરીથી ખુલ્લા મૂક્યા હતા.
 
12 વર્ષ પહેલાં આપ્યો હતો પડકાર
આ પરંપરાને વકીલોએ વર્ષ 2006માં અદાલતમાં પડકારી હતી પણ એની પર સુનાવણી 2016માં શરૂ થઈ.
જુલાઈ 2018માં સુનાવણીમાં એક પક્ષકારે તર્ક આપ્યો કે આ પરંપરાથી ભારતના બંધારણમાં આપવામાં આવેલી સમાનતાની ગૅરંટીનું ઉલ્લંઘન થાય છે.
તેમનું કહેવું હતું કે આ મહિલાઓ અને તેમના ઉપાસનાના અધિકાર પ્રત્યેનો એક પૂર્વાગ્રહ છે.
2016માં રાજ્ય સરકારે મહિલાઓને પ્રવેશ આપવાનો વિરોધ કર્યો હતો, જોકે પછીની સુનાવણીમાં સરકારે પ્રવેશ આપવાને સમર્થન આપ્યું હતું.
પક્ષકારના વકીલ ઇંદિરા જયસિંહનું કહેવું છે કે આ પરંપરા મહિલાઓ માટે કલંક સમાન છે અને મહિલાઓને તેમની પસંદની જગ્યાએ પ્રાર્થના કરવાનો અધિકારી મળવો જોઈએ.
આ પરંપરા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન તો નથી કરી રહીને એ તપાસવા માટે સુપ્રીમ કોર્ટે 2017માં બંધારણીય પીઠનું ગઠન કર્યું હતું.
આ પીઠનું કામ એ પણ તપાસવાનું હતું કે બંધારણ અંતર્ગત આને 'આવશ્યક ધાર્મિક પ્રથા' માની શકાય કે નહીં.
બંધારણનો અનુચ્છેદ 25 પોતાની મરજી પ્રમાણે ધર્મને અનુસરવાની સ્વતંત્રતા આપે છે.
 
સબરીમાલાનું મહત્ત્વ શું છે?
સબરીમાલા ભારતના મુખ્ય હિંદુ મંદિરોમાંથી એક છે. દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ મંદિર પરિસરમાં આવે છે.
મંદિરમાં પ્રવેશ માટે તીર્થયાત્રીઓએ 18 પવિત્ર પગથિયાં ચઢવાના હોય છે.
મંદિરની વેબસાઇટ પ્રમાણે આ 18 પગથિયાં ચઢવાની પ્રક્રિયા એટલી પવિત્ર હોય છે કે કોઈ પણ શ્રદ્ધાળુ 41 દિવસનું વ્રત રાખ્યા વગર ચઢી નથી શકતી.
શ્રદ્ધાળુઓએ મંદિરમાં જતાં પહેલાં કેટલાક રિવાજો નિભાવવા પડે છે.
સબરીમાલા આવતાં શ્રદ્ધાળુઓ કાળા અથવા ભૂરા રંગના વસ્ત્રો પહેરે છે અને યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની શેવિંગ કરવાની પરવાનગી નથી હોતી.
 
મહિલાઓને પ્રવેશ અપાવવાનું અભિયાન
વર્ષ 2016માં વિદ્યાર્થીઓના એક સમૂહે આ પરંપરાના વિરોધમાં પ્રદર્શનો શરૂ કર્યાં હતા. આ અભિયાન સબરીમાલા મંદિરના પ્રમુખના નિવેદનના વિરોધમાં હતું.
પ્રયાર ગોપાલકૃષ્ણે કહ્યું હતું કે 'પવિત્ર' છે કે નહીં એની ખરાઈ કરતું મશીન શોધાઈ જાય પછી જ આ મંદિરમાં મહિલાઓને પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે.
તેઓ એવા મશીનની વાત કરતા હતા જેનાથી મહિલા પિરિયડ્સમાં છે કે નહીં એનો ખ્યાલ આવી શકે.
ગોપાલકૃષ્ણે એવું પણ કહ્યું હતું, 'એક સમય એવો પણ આવશે જ્યારે લોકો માગ કરશે કે મહિલાઓને આખા વર્ષ દરમિયાન મંદિરમાં પ્રવેશ ન આપવામાં આવે.'
ગોપાલકૃષ્ણની આ ટિપ્પણીઓનો જે-તે વખતે પૂરજોશ વિરોધ થયો હતો.મહિલાઓને પ્રવેશ અપાવવાનું અભિયાન
 
વર્ષ 2016માં વિદ્યાર્થીઓના એક સમૂહે આ પરંપરાના વિરોધમાં પ્રદર્શનો શરૂ કર્યાં હતા. આ અભિયાન સબરીમાલા મંદિરના પ્રમુખના નિવેદનના વિરોધમાં હતું.
પ્રયાર ગોપાલકૃષ્ણે કહ્યું હતું કે 'પવિત્ર' છે કે નહીં એની ખરાઈ કરતું મશીન શોધાઈ જાય પછી જ આ મંદિરમાં મહિલાઓને પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે.
તેઓ એવા મશીનની વાત કરતા હતા જેનાથી મહિલા પિરિયડ્સમાં છે કે નહીં એનો ખ્યાલ આવી શકે.
ગોપાલકૃષ્ણે એવું પણ કહ્યું હતું, 'એક સમય એવો પણ આવશે જ્યારે લોકો માગ કરશે કે મહિલાઓને આખા વર્ષ દરમિયાન મંદિરમાં પ્રવેશ ન આપવામાં આવે.'
ગોપાલકૃષ્ણની આ ટિપ્પણીઓનો જે-તે વખતે પૂરજોશ વિરોધ થયો હતો.