શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (11:08 IST)

ઉન્નાવ બળાત્કાર પીડિતાનાં માતાએ કહ્યું, 'અમને પણ મારી નાખે તો શું થયું?'

"ક્યાં સુધી ડરીશું? મારી નાખશે તો મારી નાખશે. જ્યારે આટલા લોકોને મારી નાખ્યા છે તો અમને પણ મારી નાખશે, તો શું થયું?"
ઉન્નાવ બળાત્કાર કેસનાં પીડિતા હાલ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યાં છે, ત્યારે તેમનાં માતાના આ શબ્દોમાં હતાશા દેખાઈ રહી છે.
બીબીસીએ લખનૌની એ હૉસ્પિટલમાં પીડિતાનાં માતા સાથે મુલાકાત કરી, જ્યાં તેમનાં પુત્રી આઈસીયુમાં વૅન્ટિલેટર પર મોત સામે લડી રહ્યાં છે.
જ્યારે પીડિતાની હાલત વિશે પૂછવામાં આવ્યું તો તેમનાં માતાએ કહ્યું કે તેઓ ત્રણ દિવસથી તેમની પુત્રીને જોઈ શક્યાં નથી.
તેમણે કહ્યું, "ત્રણ દિવસથી મારી દીકરીને જોઈ શકી નથી, તેઓ કહે છે કે અત્યારે જાઓ, હાલ જોવા માટે જવા નહીં દઈએ."
પીડિતાનાં માતાએ કહ્યું કે જ્યારે ત્રણ દિવસ પહેલાં તેમની દીકરીને જોઈ હતી ત્યારે તેમાં કોઈ સુધારો દેખાયો ન હતો.
તેઓ કહે છે, "તેણે આંખો પણ નહતી ખોલી. વાત પણ કરતી નથી. તો શું ખબર કે સારી હશે કે નહીં. ભગવાન જાણે."
 
 
પીડિતાનાં માતાને પૂછ્યું કે આટલું બધું થઈ ગયા બાદ એવું તો નથી લાગતું ને કે આ મામલામાં ફરિયાદ કરવાની જરૂર જ ન હતી.
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "જો અમે તેમની સાથે લડાઈ ના લડીએ તો પણ તે અમને પરેશાન કરશે. લડાઈ ખૂબ જ અઘરી છે."
નાઉમેદ થઈને તેઓ કહે છે કે તેમને ભરોસો નથી કે આ મામલામાં ન્યાય મળશે.
ઘરની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહે છે, "ઘરમાં કોઈ નથી, બસ નાનાં બાળકો છે. ગુજરાન ચલાવનારું કોઈ બચ્યું નથી, અમે ક્યાં જઈએ."
ઉન્નાવ મામલામાં પીડિતાએ પરેશાન થઈને મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મદાહ કરવાની કોશિશ કરી હતી.
આ મામલે પીડિતાનાં માતાએ કહ્યું, "મારી દીકરીએ કહ્યું કે ચાલો હિંમત કરીએ અને સમગ્ર પરિવાર આત્મહત્યા કરી લઈએ. જ્યારે કોઈ કમાનારું જ બચ્યું નથી તો શું કરીએ."
"મેં કહ્યું કે જ્યારે તું મરી જઈશ તો અમે શું કરીશું, અણે પણ સાથે જ મરી જઈશું."
 
પીડિતાનાં માતા કહે છે કે આ મામલામાં આરોપી ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા કુલદીપ સેંગરની ધરપકડ બાદ પણ પણ તેમના પરિવારની મુશ્કેલીઓ ઓછી થઈ ન હતી.
તેઓ કહે છે કે તેમનો સમગ્ર પરિવાર ખતમ થઈ ગયો પરંતુ ધારાસભ્યને કંઈ નુકસાન થયું નથી.
ભાજપના ધારાસભ્ય પર બળાત્કારના આરોપ લગાવનારાં પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં સંદિગ્ધ હાલતમાં મોત થયું હતું.
ધારાસભ્ય હાલ જેલમાં છે અને પોતાના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે.
પીડિતાનાં માતાએ બીબીસીને કહ્યું, "મારા પતિનું મૃત્યું થઈ ગયું. તેઓ પરત નહીં આવે, તેમને(ધારાસભ્યને) પત્ની-બાળકો, પરિવાર, નેતાગિરી, બધું જ પરત મળી જશે. અમને તો કંઈ નહીં મળે."
તેઓ કહે છે કે હંમેશાં તેમને ભયના ઓથાર નીચે રહેવું પડે છે.
એકદમ નિરાશાભર્યા સ્વરે તેઓ કહે છે, "પરંતુ અમે કહીએ છીએ કે ચાલો મારી નાખશે તો મારી નાખશે. એવું નથી કે અમે બહાર નહીં જઈએ, પાણી ભરવા પણ નહીં જઈએ, બધાં કામ કરીશું. ક્યાં સુધી પડ્યાં રહીશું."