ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2019 (13:10 IST)

પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેમ ના ઉતાર્યાં?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં પોતાને 'ગંગા પુત્ર' ગણાવે છે, જ્યારે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું ફૂલપુરમાં 'ગંગાની પુત્રી' કહીને સ્વાગત કરાય છે. ચૂંટણીપ્રચારની રેલીઓમાં બન્ને એકબીજા વિરુદ્ધ નિશાન સાધે છે અને અંદાજ લગાવાઈ રહ્યો હતો કે ચૂંટણીજંગમાં પણ બન્ને ટકરાશે. પરંતુ ગુરુવારે વારાણસી બેઠકથી કૉંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત સાથે જ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.
 
કૉંગ્રેસે નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા ગાંધીના બદલે પાર્ટીના જૂના સ્થાનિક નેતા અને પૂર્વ ધારાસભ્ય અજય રાયને ઉતારવાનો નિર્ણય કર્યો. પાર્ટીના કાર્યકરો પણ ઇચ્છતા હતા કે પ્રિયંકા ગાંધી બનારસમાં મોદીને ટક્કર આપે. પ્રિયંકાએ પણ જાહેરમાં ક્યારેય આ અંગેના પ્રશ્નોને નકાર્યા નહોતા. થોડા દિવસો પહેલાં જ્યારે મીડિયાએ તેમને બનારસથી ચૂંટણી લડવા અંગે પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે જો પાર્ટી ઇચ્છશે તો તેઓ ચૂંટણી લડશે.
ચૂંટણીયાત્રા દરમિયાન પ્રિયંકાએ બનારસની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. આમ છતાં પાર્ટીએ તેમને બનારસના ચૂંટણીમેદાનમાં ન ઉતાર્યાં. એની પાછળ શું કારણ રહ્યું હશે. જવાબમાં વરિષ્ઠ પત્રકાર નવીન જોશી કહે છે, "પ્રિયંકાને મેદાનમાં ઉતારવાનો પ્રશ્ન એક ચર્ચા માત્ર ઊભી કરવા માટે હતો, કોઈ ગંભીર પ્રશ્ન નહોતો, એને પહેલાંથી જ સમજવાની જરૂર હતી."
 
તેઓ એવું પણ કહે છે કે જો પ્રિયંકા ગાંધી રાયબરેલી કે અન્ય કોઈ બેઠક પરથી ચૂંટણી લડશે. તેઓ રાયબરેલીથી ચૂંટણી લડશે એવી ચર્ચા હતી અને અહીંથી તેમનો સંસદ સુધીનો રસ્તો પણ સરળ હતો, જે બનારસ બેઠકથી નહોતો. પૂર્વ ઉત્તર પ્રદેશમાં લોકસભાની 29 બેઠકો છે, જેમાંથી 27 પર ભાજપનો કબ્જો છે. એમાં વારાણસી બેઠકનો પણ સમાવેશ થાય છે, જ્યાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંસદ છે.
 
મોદી વિરોધથી શરૂઆત
 
ચૂંટણી પહેલાં 23 જાન્યુઆરીએ પ્રિયંકા ગાંધીનું સક્રિય રાજનીતિમાં આગમન થયું. તેમને પાર્ટીમાં મહાસચિવનું પદ આપવામાં આવ્યું અને ચૂંટણીમાં તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી. સક્રિય રાજનીતિમાં આવ્યા બાદ પ્રિયંકાએ પોતાનું પહેલું ભાષણ પણ મોદીના ગઢ ગણાતા ગુજરાત રાજ્યમાં જ આપ્યું હતું. આ ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદી તેમના નિશાના પર રહ્યા.
 
નરેન્દ્ર મોદીના વિરોધ સાથે પ્રિયંકા ગાંધીની સક્રીય રાજનીતિમાં ભૂમિકા શરૂ થઈ, આમ છતાં પાર્ટીએ તેમને ઉમેદવાર કેમ ન બનાવ્યાં?
આ વિશે વરિષ્ઠ પત્રકાર જતીન ગાંધી કહે છે, "ભાષણ અને નિવેદન આપવાં એ અલગ વાત છે, ચૂંટણી લડવી એ અલગ વાત છે."
 
"ચૂંટણી લડવા માટે પાયામાં કાર્યકરોની ફોજની જરૂર હોય છે. બનારસમાં કૉંગ્રેસ કાર્યકરો પાસે એવી ફોજ નથી."
 
જતીન ગાંધી પ્રિયંકાને મેદાનમાં ન ઉતારવાનું બીજું કારણ સપા-બસપા વચ્ચે થયેલા ગઠબંધનને માને છે.
 
તેઓ કહે છે, "સોમવારે આ સ્પષ્ટ થઈ ગયું હતું જ્યારે સમાજવાદી પાર્ટીએ શાલિની યાદવને ત્યાંથી ઉતારવાનું એલાન કર્યું હતું."
 
"પહેલાં મહાગઠબંધન તરફથી કોઈ ઉમેદવાર નહીં ઉતારવાની વાત થતી હતી, પણ જ્યારે તેમના તરફથી સ્પષ્ટ થઈ ગયું કે તેઓ કૉંગ્રેસ માટે મોકળું મેદાન નહીં છોડે."
 
"એક એવી સ્થિતિ પેદા થઈ કે પ્રિયંકા ગાંધી ત્યાંથી ચૂંટણી લડશે તો હારશે એટલું જ નહી પણ બીજા ક્રમે આવવું પણ મુશ્કેલ થઈ જશે. કારણકે હવે જે સમીકરણો બન્યાં છે એ પ્રમાણે ગઠબંધનની સ્થિતિ મજબૂત દેખાય છે."
 
પ્રિયંકાના આવવાથી ગણિત બદલી જાત?
 
વારાણસીથી કૉંગ્રેસે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. તો મહાગઠબંધન તરફથી સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર શાલિની યાદવને ટિકિટ આપવામાં આવી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ, સપા અને બસપા સિવાય આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ નરેન્દ્ર મોદીને આ બેઠક પર પડકાર આપી રહ્યા હતા. નરેન્દ્ર મોદીને 5.8 લાખ મત મળ્યા હતા, બીજા નંબર પર રહેલા કેજરીવાલને લગભગ 2 લાખ મત મળ્યા હતા અને કૉંગ્રેસના ઉમેદવાર અજય રાયને 75 હજાર મત મળ્યા હતા.
 
વરિષ્ઠ પત્રકાર નવીન જોશી કહે છે, "પ્રિયંકાને જો વારાણસીથી ઉતારવામાં આવ્યાં હોત તો ચોક્કસ તેમને ફાયદો થતો પરંતુ તેમને જીત મળવાના કોઈ અણસાર ન હતા."
પ્રિયંકાનો પ્રભાવ બનારસના આસપાસના વિસ્તારો, જૌનપુર, મઉ અને આઝમગઢ વગેરે બેઠકો પર જોવા મળતો પરંતુ આ નાના ફાયદા માટે પક્ષને પ્રિયંકા ગાંધીના રૂપમાં મોટી કિંમત ચૂકવવી પડતી. વરિષ્ઠ પત્રકાર જતીન ગાંધી પણ માને છે કે તેમની પાર્ટી એવું ક્યારેય ના ઇચ્છે કે તેમના ભવિષ્યના નેતાની શરૂઆત કોઈ હારથી થાય.
 
તેઓ કહે છે, "પ્રિયંકા પક્ષનો મોટો ચહેરો છે. તેઓ પક્ષનું ભવિષ્ય છે અને તેમનો ચહેરો ઇંદિરા ગાંધીને મળતો આવે છે. લોકો તેમને આશા ભરી નજરોથી જોઈ રહ્યાં છે. શરૂઆતમાં જ તેઓ હારી જાય એવું પક્ષ ક્યારેય નહીં ઇચ્છે."
 
જતીન ગાંધી માને છે કે આ ચૂંટણીમાં ભલે પ્રિયંકા પક્ષને મજબૂત ના કરી શકે, પરંતુ તેઓ કાર્યકર્તાઓમાં જોશ ભરવામાં જરૂર સફળ થશે. જે આવનારી આગળની ચૂંટણીઓમાં જરૂર ફાયદો કરાવશે.