મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 27 એપ્રિલ 2020 (13:22 IST)

ગુજરાતમાં 10,500 બેડની ક્ષમતા વાળી કોવિડ હોસ્પિટલ તૈયાર

રાજ્યમાં કોરોનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, આ સંક્રમણના વધતા વ્યાપ સામે આરોગ્ય તંત્ર સંક્રમિતોની સારવાર માટે સંપૂર્ણ સજજ છે. આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ અંગેની વિગતો આપતા કહ્યું કે મુખ્યમંત્રી રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં 4 હજાર બેડની ક્ષમતા સાથે ડેડિકેટેડ કોવિડ 19 હોસ્પિટલ ઊભી કરીને દર્દીઓની સારવાર શરુ કરી છે. આ હેતુસર વરિષ્ઠ સચિવોને મુખ્યમંત્રીએ ખાસ જવાબદારીઓ સોંપી સમગ્ર વ્યવસ્થાઓ સુપેરે પાર પડે તેની કાળજી લીધી છે.  તેમણે કહ્યું કે આ મહાનગરોની કોવિડ 19 હોસ્પિટલ ઉપરાંત રાજ્યમાં જિલ્લા મથકો ઉપર 25 સરકારી અને 31 ખાનગી હોસ્પિટલ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ 19 હોસ્પિટલ તરીકે માન્યતા અપાયેલી હોય તેવી તેમજ 3 પ્રાઈવેટ હોસ્પિટલ સાથે 10500 બેડની કુલ ક્ષમતા ધરાવતી હોસ્પિટલ ઊભી કરી છે. આરોગ્ય અગ્ર સચિવે વધુમાં જણાવ્યું કે કોરોનાની સારવાર માટે જરૂરી એવા મોંઘા વેન્ટિલેટરની વિશ્વ આખામાં તીવ્ર માંગ છે એવા સમયે મુખ્યમંત્રી ની પ્રેરણાથી રાજકોટના એક સ્થાનિક ઉત્પાદક જ્યોતિ CNC દ્વારા માત્ર એક લાખ રૂપિયાની કિંમતે સ્વદેશી ધમણ વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને તેનો સફળતા પૂર્વક પ્રયોગ પણ કર્યો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ સરકારી હોસ્પિટલોમાં 1061 વેન્ટિલેટર તેમજ ખાનગી હોસ્પિટલોમાં 1700 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત 1000 વેન્ટિલેટર માટે ઓર્ડર આપી દેવાયો છે.