ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (11:31 IST)

સુરત બાદ ગાંધીનગરમાં કાળ બની ત્રાટક્યો પ્રેમી, નદી કિનારે પ્રેમિકાને બોલાવી કટરથી ગળું કાપ્યું; આરોપીની અટકાયત

સુરતમાં સરાજાહેર ગ્રીષ્મા નામની યુવતીની તેના પ્રેમી દ્વારા કરાયેલી હત્યાના બનાવના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. તેના અઠવાડિયામાં જ પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે એક પ્રેમીએ તેની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કરતા સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ગાંધીનગરનાં અમરાપુર નદીનાં કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગળું કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ બનવાની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા સગીરાના કાકાએ તાત્કાલિક 108ને બોલાવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં સગીરાને સિવિલમાં સઘન સારવાર શરૂ કરાઈ છે. ગળાના ભાગે ગંભીર ઈજા થતા 30થી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરનાં લીંબોદરા ગામે ધોરણ - 12માં અભ્યાસ કરતી સગીરા શુક્રવારે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. ત્યારે બપોરના સમયે ગામમાં રહેતો શખ્સ સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. બાદમાં સંજયે સગીરાને કહ્યું હતું કે, તારા કાકા તને બોલાવે છે એટલે સગીરા તેના બાઈક પર બેસી ગઈ હતી. ત્યારે સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. અહીં થોડીક વાતચીત કર્યા પછી સંજય સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો હતો.આ બાબતે બન્ને વચ્ચે કોઈ માથાકૂટ થતાં સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો હતો. જેનો પ્રતિકાર કરતા સંજય ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ ગળામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હોવા છતાં સગીરાએ જેમતેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવી લીધા હતા. જેનાં પગલે તેનાં કાકા પણ કોતરમાં દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને બોલાવી લીધી હતી. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કરીને ગાંધીનગર સિવિલ લઈ આવી હતી.