સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (09:30 IST)

અમદાવાદમાં વૃદ્ધે બાળકી સાથે લિફ્ટમાં અડપલાં કર્યાં, પોલીસે ધરપકડ કરી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 62 વર્ષીય વૃદ્ધે હેવાનિયતની હદ વટાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ વૃદ્ધે નવ વર્ષની બાળકી સ્કૂલેથી પરત ફરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી, તે સમયે બાળકીની એકલતાનો લાભ લઈને વૃદ્ધે અડપલાં કર્યા હતા. જોકે આ અંગે બાળકીએ માતા-પિતાને જાણ કરતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ચાંદખેડા પોલીસે ભાનુપ્રતાપ રાણા નામના આરોપીની ધરપકડ કરી છે.ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા પરિવારની 9 વર્ષની દીકરી જે ધોરણ 4માં અભ્યાસ કરે છે, તે સ્કૂલેથી ઘરે પરત ફરી હતી અને લિફ્ટમાં 11માં માળે જઈ રહી હતી. તે સમયે લિફ્ટમાં તેની સાથે વૃદ્ધ પણ હતો. આ વૃદ્ધે બાળકીની એકલતાનો લાભ લઈ તેની સાથે અડપલાં કર્યા હતા. જે બાબતે બાળકીએ માતાને જાણ કરી હતી. ત્યાર બાદ બાળકીની માતાએ આ અંગે પરિવારને જાણ કરી લિફ્ટમાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરતા તેમાં નરાધમની હરકતો કેદ થઈ હતી. જેથી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ભાનુપ્રતાપ રાણા નામના આરોપી સામે પોકસોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીના પુત્રના ઘરે પણ સંતાનો છે, ત્યારે આ કૃત્ય કરવા પાછળનું સાચું કારણ શું છે તે જાણવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે તે હાલ નિવૃત્ત જીવન જીવે છે, અને M.Com સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ ગોદરેજ ગાર્ડન સિટીમાં પત્ની અને દીકરા સાથે રહે છે. ત્યારે આ મામલે પોલીસે આરોપીનો મોબાઇલ ફોન પણ કબજે કરી FSLમાં મોકલ્યો છે. આરોપીએ અગાઉ કોઈપણ બાળકી સાથે આ પ્રકારે દુષ્કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.