બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (08:53 IST)

Vadodara Crime News - વડોદરામાં સગા બાપે 17 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, વર્ષ પહેલાં માતાનું મોત થયું હતું

સંબંધોને લજવાતો વધુ એક કિસ્સો

માતાનું એક વર્ષ પહેલાં મૃત્યુ થતાં 17 વર્ષિય દીકરી પર નરાધમ પિતાએ વારંવાર દુષ્કર્મ આચરતાં પાણીગેટ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

નરાધમ પિતાએ દુષ્કર્મ આચરતાં દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી જતાં તેને સરદાર માર્કેટ પાસે છોડીને બાપ ભાગી ગયો હતો. 2 ફોઈઓએ પણ દીકરીને ન રાખતાં માસી પાસે પહોંચેલી દીકરીની વ્યથા સાંભળીને તેમના પગ નીચે પણ જમીન ખસી ગઈ હતી. માસીએ નરાધમ બાપ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પાણીગેટ પોલીસના જણાવ્યા અનુસાર વિસ્તારમાં રહેતી 45 વર્ષિય મહિલાએ પોતાની બહેનનું એક વર્ષ પહેલાં મૃત્યુ થઈ જતાં તેની 17 વર્ષીય દીકરીને પોતાની સાથે રાખી હતી. જોકે 2-3 મહિનામાં દીકરીના પિતા ઝઘડો કરી તેને લઈ ગયા હતા.

2 ફેબ્રુઆરીએ દીકરીએ માસીના ઘરે આવી જણાવ્યું હતું કે, પિતા સરદાર માર્કેટ પાસે તેને છોડીને જતા રહ્યા છે અને કહીને ગયા છે કે તું તારી માસીના ઘરે જ રહેજે. દીકરીએ માસીને વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021માં તે પિતા સાથે વાઘોડિયા રોડ પર ભાડાના મકાનમાં રહેતી હતી. તેનો ભાઈ બહાર ગામ ગયો હતો. આ વખતે તેના પિતાએ તેનું ગળું દબાવીને મારી નાખવાની ધમકી આપી રાતના સમયે ભાઈની ગેરહાજરીમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. પિતાએ ધમકી આપી હતી કે, આ અંગે કોઈને કહેશે તો મારી નાખશે. ત્યારબાદ ભાડાનું મકાન ખાલી કરી ડિસેમ્બર-2021માં પિતા-પુત્રી અને તેનો ભાઈ બીજા મકાનમાં ભાડે રહેવા ગયાં હતાં. જોકે તે પછી પણ ભાઈની ગેરહાજરીમાં રાત્રીના સમયે નરાધમ પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મના કારણે દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. જ્યારે નરાધમ પિતાએ ભાડાનું મકાન પણ ખાલી કરી દીધું છે.

માસીએ ભાણીને લઈને નરાધમ પિતા સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 17 વર્ષિય સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી જતાં બાપ તેને છોડીને ભાગી જતાં દીકરી તેની 2 ફોઈ પાસે ગઈ હતી. જોકે તે ગર્ભવતી હોવાની વાત જાણી ફોઈઓએ તેને રાખવાની સાફ ના પાડી દીધી હતી.