ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. ગાંધીનગર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 4 જુલાઈ 2022 (09:41 IST)

ગાંધીનગરમાં કોરોનામાં 26 વર્ષનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો, 50 વર્ષીય દંપતીએ IVFથી દીકરો મેળવ્યો

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યાં છે. ગાંધીનગરમાં રહેતા 58 વર્ષીય પિતા અને 50 વર્ષીય માતાનો લોકસેવા કરતો એકનો એક 26 વર્ષીય પુત્ર પણ ફેફસાંના ગંભીર ઇન્ફેક્શનનો ભોગ બનીને મૃત્યુ પામ્યો. એટલે આ દંપતી ડિપ્રેશનમાં સરી પડ્યું, આઇવીએફ ટ્રીટમેન્ટથી પ્રથમ સાયકલમાં જ ગર્ભાવસ્થા રહેતાં રથયાત્રાને દિવસે આ માતાએ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારી અને હાલ નિવૃત્ત થયેલાં મગનભાઇ ભગોરા કહે છે કે, કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની મદદ કરતાં મારા 26 વર્ષીય પુત્રના લગ્ન માટે અમે છોકરી શોધતા હતા. ત્યારે જ અમારા પુત્રને કોરોના સંક્રમણ થયું અને ગણતરીના કલાકોમાં જ તે મૃત્યુ પામ્યો. અમારું જીવન અંધકારમય બની ગયું. હું અને મારા પત્ની પુત્ર વિયોગમાં આઘાતમાં સરી પડ્યાં.અમારી તકલીફ જોઇને એક શિક્ષક મિત્રની સલાહથી આઇવીએફ ટ્રીટમેન્ટ માટે અમદાવાદના આંબાવાડીમાં ‘પ્લેનેટ વિમેન’ના ડૉ. મેહુલ દામાણી અને ડૉ. સોનલ દામાણીને મળ્યાં. ડો. દામાણીએ અમારી સ્થિતિ જાણીને તપાસ બાદ સારવાર શરૂ કરી અને જાણે ભગવાન પણ અમારો ગુમાવેલો પુત્ર પરત કરવા માગતો હોય તેમ 50 વર્ષની વયે રથયાત્રાને દિવસે જ મારી પત્નીએ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. ડૉ. મેહુલ દામાણી જણાવે છે કે, પચાસ વર્ષની સ્ત્રીને પ્રેગ્નન્સી વખતે ઘણાં કોમ્પ્લિકેશન થાય છે, પરંતુ ભગોરા દંપતી આ ઉંમરે ઘડપણનો સહારો શોધવાની આશાએ આવ્યાં હતા.

મહિલાના ગર્ભાશયની સ્થિતિ સાનુકુળ હતી પણ અમારી સારવારની સાથે દંપતીએ પૂરતો સાથ સહકાર આપ્યો, જેમાં મહિલાને ગર્ભાવસ્થા રહે તેવા ચોક્કસ ડોઝ આપતાં ગર્ભાવસ્થા રહી અને નવ મહિના પછી પહેલી જુલાઇને રથયાત્રાના દિવસે મહિલાએ સિઝેરિયનથી પોણા ત્રણ કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. એપ્રિલ મહિનામાં સરકારે ધ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (એઆરટી) એક્ટ પસાર કર્યો છે, જે અંતર્ગત હવેથી 50 વર્ષથી વધુ વયની મહિલાની આઇવીએફ સારવાર થઇ શકશે નહીં. પરંતુ કુદરત પણ જાણે દંપતીનો સાથ આપતી હોય તેમ ગત વર્ષે મહિલાની આઇવીએફ સારવાર શરૂ થઇ. જો તેઓ થોડા મોડા પડ્યાં હોત તો વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજી હોવા છતાં આઇવીએફ ટ્રીટમેન્ટ બની ન હોત.