રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (11:22 IST)

અમિત શાહે યુવા ટાઉનહોલ કાર્યક્રમમાં પોણો કલાકમાં ૧૬ પ્રશ્નોના જવાબો આપ્યા

પાટીદારોએ કરેલું અનામત આંદોલન એ કંઈ પહેલું અનામત આંદોલન નથી. અનેક થયા છે પણ છેલ્લે આ આંદોલન પણ રાજનીતિમાં પરિવર્તિત થઈ ગયું છે એમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે યુવા ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું. જેવું ચૂંટણી નજીક આવશે તેમ તેમ તમે જોશો ધીરે ધીરે વાત અનામતની જગ્યાએ પોલિટીકલ થતી જોવા મળશે. કોઈ એક ચોક્કસ પોલિટિકલ પાર્ટીની દિશામાં આ વાત જતી લાગશે તમે ધીરે ધીરે જો જો પ્રેક્ષક તરીકે આખી વાતને ઓબ્ઝર્વ કરજો... તો તમને ધીરે ધીરે ખબર પડશે કે આ કોઈ એક પોલિટીકલ પાર્ટી પ્રેરિત આંદોલન હતું. ભાવનાઓથી ઘણા લોકો આ આંદોલનમાં જોડાયા પરંતુ જે સૂત્રધાર છે તેઓ ધીરે ધીરે એક્ષપોઝ થઈ રહ્યા છે. અમિત શાહે કહ્યું કે, સારું થયું કે આ પ્રશ્ન પૂછ્યો નહીંતર આ કાર્યક્રમ 'મેચ ફિક્સિંગ' જેવો લાગત. અનામત એ સંવિધાનિક વ્યવસ્થા છે. ૫૦ ટકાથી વધુ અનામત આપી શકાતી નથી. SC-ST ની અનામત તો કોર્ટ કે રાજ્ય બદલી ન શકે પણ OBC માં જ્ઞાાતિનો ઉમેરો થઈ શકે છે. જેના માટે પંચ સમક્ષ અરજી કરવી પડે છે. આ આંદોલન પહેલું નથી. અનેક થયા છે પણ છેલ્લે આ આંદોલન પણ રાજનીતિમાં પરિવર્તિત થઈ ગયું છે.

બોની મોમતોરા નામની વિદ્યાર્થીનીએ પૂછ્યું કે, ઉના જેવી ઘટના ન બને તેના માટે શું કરશો ? અમિત શાહે જવાબ આપતા કહ્યું કે, આ ઘટના દુઃખદ હતી. આવું ન થવું જોઈએ. આમ છતાં અન્ય રાજ્યોની સરખામણીમાં અત્યાચારની ઘટનાઓ ઓછી બને છે. પરંતુ આવી ઘટનાઓ માટે સમાજમાં ઝેર ફેલાવી શકાય નહીં. જ્યારે આસિ. પ્રોફેસર કુમારી કેયુરીએ પૂછ્યું કે યુવાનો ભાજપને મત કેમ આપે ? યુવાનો માટે ક્યાં એજન્ડાઓ બનાવ્યા છે ? આ પ્રશ્ન સાંભળ્યા બાદ હસી પડેલા અમિત શાહે હળવી શૈલીમાં કહ્યું કે, કેયુરી તે તો મારા ભાષણ પર પાણી ફેરવી દીધું છે. સૌથી મોટું કારણ અદ્ભુત વિકાસ મોડેલ છે. યુવાનો માટે અઢળક તક અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડીજિટલ ઈન્ડિયા જેવા અનેક પ્લેટફોર્મ છે. ગુજરાતમાં શાંતિ અને વિકાસ ભાજપ સાથે જોડાયેલા છે. આલ્યા-માલ્યા-જમાલ્યાનું શાસન ના લાવશો. વિકાસ કરતી પાર્ટીનું શાસન જ લાવજો. રોશન પટેલે પૂછ્યું કે, બેરોજગારોને ભથ્થા આપવાની વાત કોંગ્રેસે કરી છે તો ભાજપ શું માને છે ? અમિત શાહે જવાબમાં કહ્યું કે કોંગ્રેસ હથેડીમાં ચાંદ બતાવે છે. કોંગ્રેસને વચન આપવામાં કોઈ જ વાંધો નથી. સરકારે ૮૬૦૦૦ નોકરી આપી છે. રોજગારીને નોકરી સાથે જોડી શકાય નહીં. રોજગારીમાં માત્ર નોકરીના આંકડાઓનો જ સમાવેશ થાય છે તે યોગ્ય નથી. મોબાઈલ રીપેરીંગનું કામ કરનાર કે બ્યુટીપાર્લર ચલાવતી યુવતી પણ કમાણી કરે જ છે ને ?

સુરતથી ફીઝિયોથેરાપીની વિદ્યાર્થીનીએ પ્રશ્ન પૂછ્યો કે વેપારીઓને GST થી શું ફાયદો થશે ? જવાબમાં અમિત શાહે કહ્યું કે, GST એ અત્યાધુનિક કરમાળખું છે. કોંગ્રેસે GST નો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ ગઈ હતી. GST ના કર-માળખામાં સુધારા - વધારા કરવાની સત્તા GST કાઉન્સિલ અને સંસદને છે. કેટલીક મુશ્કેલીઓ છે પરંતુ બધાને સાંભળીને ધીમે ધીમે તેને દૂર કરાશે. સાત્વિક ખારા નામના કમ્પ્યુટર એન્જિનિયરે પ્રશ્ન પૂછ્યો કે, નીચલા સ્તરે હજુ ઘણો ભ્રષ્ટાચાર ચાલે છે તેનું શું ? અમિત શાહે હસતાં હસતાં જવાબ આપ્યો કે ગંગાને ગંગોત્રીથી જ સુધારવી પડે !! કોંગ્રેસે ઘણા મોટા ભ્રષ્ટાચારો કર્યા છે. પરંતુ અમે ઉચ્ચ સ્તરનાં ભ્રષ્ટાચારને ખતમ કર્યો છે. નાના લાભાર્થીઓને સબસીડી સીધી બેન્ક ખાતામાં જમા થાય છે. આ રીતે ભૂતકાળમાં ૫૯૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થતો હતો જે અમે બંધ કર્યો છે. ઓપ્ટીકલ ફાઈબરથી ડીજિટલ ઈન્ડિયા થવાથી નાનો ભ્રષ્ટાચાર પણ ખતમ થઈ જશે.

રાજકોટની નીતુ કન્નરાએ પૂછ્યું કે ૨૦ વર્ષમાં વિકાસ થયા બાદ છેલ્લા બે વર્ષથી તેની ગતિ ધીમી કેમ પડી છે ? જોકે અમિત શાહે કહ્યું કે હું આ વાત સાથે સંમત નથી. બે વર્ષમાં વિકાસ વધ્યો છે. મોદી હાલમાં વડાપ્રધાન હોઈ, નિર્ણાયક નિર્ણયો લઈને કામોને ગતિ આપે છે. પરંતુ કોંગ્રેસ અપ્રચાર કરે છે. તેમનું રાજકારણ ચૂંટણી પહેલાના સાડા ચાર મહિનાનું જ છે. અમદાવાદના વિરાજ મેવાડાએ પૂછ્યું કે, નર્મદા યોજના કઈ રીતે ફાયદાકારક નિવડશે ? જવાબમાં અમિતભાઈએ કહ્યું કે, ગુજરાતમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. કૃષિ-વીજળીની અછત છે. હવે ચાર ગણું પાણી વધવાથી અને ત્રણ ગણી વીજળી વધવાથી તેનો સીધો ફાયદો લોકોને થશે. દાહોદની હેતલે પૂછ્યું કે આદિજાતિ જિલ્લાઓમાં વિકાસ માટે કેટલી રાહ જોવી પડશે ? જવાબમાં અમિત શાહે કહ્યું કે, તમે ૧૫ વર્ષ પહેલાની અને હાલની સ્થિતિ જુવો. બજેટમાં પણ પ્રોરેટી મુજબ નાણાની ફાળવણી આદિજાતિ જિલ્લાનાં વિકાસ માટે થાય છે. ભૂજથી જિતેન શાહે પૂછ્યું કે, ઉત્તર પ્રદેશની જીત પાછળનું રહસ્ય શું છે ? આ પ્રશ્ન સાંભળી અમિત શાહ સહિત સમગ્ર ઓડીટોરીયમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. અમિત શાહે જવાબ આપતાં કહ્યું કે, અમે પરિવારવાદ, જાતિવાદ અને તૃષ્ટિકરણના નાસૂરને ઉખાડી નાખ્યો છે. તેમજ 'પોલીટીક્સ ઓફ પરફોર્મન્સ'ની નવી નીતિ મુજબ કામ કરીએ છીએ. ગુજરાત પણ તેના આધાર પર જ જનાધાર મેળવશે. અમદાવાદનાં ડૉ. પ્રતિક ત્રિવેદીએ પ્રશ્ન પૂછ્યો કે, ઓલિમ્પિકમાં ગુજરાતનાં યુવક-યુવતિઓને ગોલ્ડમેડલ મળે તેના માટે શું કરશો ? અમિતભાઈએ જણાવ્યું કે, ૨૦૦૯-૧૦થી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષો વધાર્યા છે. તેમજ વિવિધ રમતોમાં ખેલાડીઓની પસંદગીમાં પારદર્શકતા રાખી છે. દેશમાં સ્પોર્ટસ ક્ષેત્રે ગુજરાતનું સ્થાન ૨૮ નંબરથી ઘટીને ૭માં નંબર પર આવી ગયું છે. વલસાડમાંથી એક પ્રધાને પ્રશ્ન પૂછ્યો કે, નોટબંધી બાદ અર્થતંત્ર ધીમું પડયું છે અને આ પ્રયાસ નિષ્ફળ ગયો છે ? અમિત શાહે જવાબ પાઠવતાં કહ્યું કે લગભગ ૯૯ ટકા નોટો બેન્કોમાં પાછી આવી ગઈ છે. અગાઉ ૨૦ ટકા કરન્સી નેતાઓ અધિકારીઓનાં ઘરમાં રહેતી હતી. આ બેનંબરી નોટો બેન્કમાં ભરી દીધી છે. આજે ગુજરાત સમાચાર અખબારમાં પણ સ્ટોરી છે કે તમિલનાડુનાં એક નેતાના ખાતામાં ૨૪૬ કરોડ જમા થયા હતા. જેથી IT એ તેને નોટિસ આપી છે. આવક કરતા વધુ નાણા જમાં કરાવનારા લોકોને IT ને હિસાબ આપવો પડશે. તેઓએ વધુમાં કહ્યું કે નોટબંધી પહેલા દેશભરમાંથી માત્ર ૩.૬ કરોડ લોકો જ IT ભરતા હતા. નોટબંધી બાદ ૬.૩ કરોડ લોકો રીટર્ન ભરતા થયા છે. કોઈપણ પ્રયાસની ટીકા કરવી સરળ છે. પણ હવે લોકો ટેક્સ ભરીને પ્રામાણિક બની રહ્યા છે. છેલ્લો પ્રશ્ન તોશિત મહાવતે પૂછ્યો હતો. જેમાં પૂછ્યું કે PM મોદી દિલ્હીમાં છે. ગુજરાતમાં તેની કમી ફીલ થાય છે ? આ પ્રશ્નના જવાબમાં અમિત શાહે જણાવ્યું કે, મોદીની કમી ફીલ કરવાની કોઈને જરૃર નથી. CM કરતાં PM ની તાકાત વધુ છે. PM તરીકે તેઓ ગુજરાતને નવી દિશામાં લઈ જશે. અગાઉ નર્મદા બંધની મંજૂરી હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ થઈ રહ્યો છે. વિકાસના આવા અનેક કામો કરાશે. રાહુલ બાબા તમે જ્યાં ઉભા હતા ત્યાં ગંદા પાણીના ખાબોચીયા હતા પોતાના પોણો કલાકના ભાષણમાં અને ત્યારબાદ બીજા પોણો કલાક સુધીનાં સવાલ-જવાબ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીની જોરદાર કટાક્ષો કરી ભરપેટ ટીકાઓ કરી હતી. તેઓએ કહ્યું કે તાજેતરમાં જ રાહુલ ગાંધી અમદાવાદનાં રિવરફ્રન્ટમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. ભાઈ રાહુલ, તમે જ્યાં ઉભા રહીને ભાષણ આપતા હતા ત્યાં તમારા શાસન વખતે ગંદા પાણીના ખાબોચીયા હતા. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના આ શાહજાદા અમારી પાસેથી વિકાસનો હિસાબ માગતા હતા. જો તેઓએ સાબરમતીમાં નર્મદાનું પાણી જોયું હોત તો પણ વિકાસ કોને કહેવાય તેની તેમને ખબર પડી જાત. અમારી એક લાખ સવાલનાં જવાબો આપવાની તૈયારી છે. કોમી તોફાનોમાં ગુજરાતને હોમી દીધું હતું. હજારો યુવાનોની કારકિર્દી બગાડી નાખી.તેઓએ ઉમેર્યું કે ૧૯૯૫ પહેલા ગામડાઓમાં ૧૦થી ૧૫ કલાકનો પાવર કટ થતો હતો. મોદી સરકાર આવ્યા બાદ ૨૦૦૨થી રાજ્યમાં ૨૪ કલાક વીજળી મળતી થઈ છે. નર્મદા ડેમનું ભૂમિપૂજન જવાહરલાલ નહેરૃએ કર્યું હતું તો પછી રાહુલના પિતાએ તે યોજનાને શા માટે પૂરી ન કરી ? કોંગ્રેસીયાઓ જવાબ આપે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે યુવાનોની તાલીઓનાં ગડગડાટ વચ્ચે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના દિગ્વિજયસિંહે સવાલો ઉઠાવ્યા હતા. હવે તમે આવજો ગુજરાતની ચૂંટણીમાં તમે યુવાનોને સવાલના જવાબ આપજો. ભાજપે આટલા વર્ષોમાં શું કર્યું છે તે અંગે કોંગ્રેસના કાર્યકરોએ પ્રશ્નો પૂછ્યા છે. તેના પણ હું જવાબ આપું છું. તમારા શાસનમાં ૪૧૩૧૮ શાળાઓ હતી. ભાજપ શાસનમાં ૫.૮૩ લાખ શાળાઓ છે. સાક્ષરતા દર અગાઉ ૬૬ ટકા હતો. અત્યારે ૭૮ ટકા છે. યુનિવર્સિટીની સંખ્યા માંડ ૭ની હતી જે અમે ૫૭નાં આંકડે પહોંચાડી છે. અગાઉ માત્ર ૨૦ એન્જિનિયરીંગ કોલેજો હતી જે ૨૨૮ થઈ છે. પોલીટેકનીક કોલેજો પણ ૪૫થી વધીને ૧૪૯ થઈ છે. ડીગ્રી એન્જિનિયરીંગમાં ૨૨૯૫ સીટો હતી જે વધારીને ૭૭૭૬૧ કરી છે માટે ભાજપને સવાલો પૂછવાના બંધ કરો.અમિત શાહે કહ્યું કે મારે પણ કોંગ્રેસને કેટલાક સવાલો પૂછવા છે જેના જવાબો તેઓ આપે. હવે કોમી રમખાણો કેમ બંધ થયા ? ૨૪ કલાક વીજળી કેમ પહોંચી ? તમારા શાસનમાં શિક્ષણમાં ઉદાસીનતા કેમ હતી ? ઈન્ફ્રાસ્ટ્રકચરની અંદર ગુજરાત કેમ ક્યાંય દેખાતું નહોતું ? આજે ગુજરાત કેમ આગળ વધ્યું છે. ગુજરાતના તમામ રોડ પરના ખાડાઓ ૨૨ ઓક્ટોબર પહેલા પૂરી દેવાશે ચોમાસાની આ સીઝનમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠેર ઠેર નાના-મોટા લાખોની સંખ્યામાં ખાડા પડી ગયા છે. જેને લઈને નાગરિકોમાં જબરજસ્ત આક્રોશ ફાટી નીકળ્યો છે. રોજ સોશિયલ મીડિયામાં ખાડાઓનાં ફોટા સાથે 'વિકાસ'ની કોમેન્ટો થઈ રહી છે. લોકોના આ ગુસ્સાનો પડઘો મતપેટી પર પડી શકે એવી ભીતિ ભાજપ હાઈકમાન્ડને છે જ.તેઓએ કહ્યું કે, ૧૫મી સપ્ટેમ્બરથી રાજ્યભરમાં જ્યાં પણ ખાડાઓ પડયા છે તે પુરવાની કામગીરી શરૃ કરાશે. તેમજ ૨૨મી ઓક્ટોબર સુધીમાં તમામ ખાડાઓને પૂરી દેવાશે.