ભાજપ છોડવાના પિતા શત્રુઘ્ન સિંહાના નિર્ણય ઉપર ફિલ્મ અભિનેત્રી સોનાક્ષીએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તેમણે આ પગલું લાંબા સમય પહેલાં લઈ લેવું જોઈતું હતું.
પત્રકારો સાથે વાત કરતાં સોનાક્ષીએ કહ્યું, "મારા પિતા અટલ બિહારી વાજપેયી તથા અડવાણીના સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને યોગ્ય સન્માન મળતું ન હતું."
"હવે, તેઓ કૉંગ્રેસ સાથે જોડાયા છે, ત્યારે આશા છે કે તેઓ સારું કામ કરી શકશે અને દબાણ નહીં અનુભવે."
ગુરુવારે ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટર ઉપર જાહેરાત કરી હતી કે છઠ્ઠી એપ્રિલે 'શોટગન સિંહા' ઔપચારિક રીતે કૉંગ્રેસમાં જોડાશે.
આ સાથે ગોહિલે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી તથા સિંહાની મુલાકાતની તસવીર પણ પોસ્ટ કરી હતી.
સિંહાને આગામી લોકસભા ચૂંટણી માટે પટણા સાહિબ બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી ન હતી એટલે તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો હતો.
સિંહા લોકસભામાં બે વખત આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
ભાજપમાં પોતાનું કદ ઘટવા માટે સિંહા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર માને છે.
2014માં ટ્રેલર, 2019માં ફિલ્મ
ભાજપ 2014ની લોકસભાની ચૂંટણી કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં લડ્યો હતો.
ગત વખતે પણ તેમને છેક છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવી હતી.
વર્ષ 2018માં અંગ્રેજી ચેનલ TimesNowને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું, "એમણે (મોદી-શાહ) પહેલાં દિવસથી જ તેમની ઉપેક્ષા કરી છે."
"વર્ષ 2014માં ચૂંટણી સમયે ભાજપ દ્વારા દેશભરમાં સૌથી છેલ્લે રાત્રે 11.30 કલાકે મારું નામ જાહેર થયું હતું."
"સુષમા સ્વરાજે પાર્ટીને કહ્યું હતું કે હવે પટનાની બેઠક ઉપરથી નામ જાહેર કરી દેવું જોઈએ, એમ ન કરવાને કારણે લોકોમાં ખોટો સંદેશ જઈ રહ્યો છે."
થોડા દિવસ પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે 'ગમે તે થાય, બેઠક તો પટના સાહિબ જ રહેશે.'
2014માં પાર્ટીએ તેમને દિલ્હીની ટિકિટ ઑફર કરી હતી, પરંતુ સિંહાએ કહ્યું હતું કે 'પટના જ મારી પહેલી અને છેલ્લી પસંદ' છે.
કદાચ સિંહા બે દાયકા જૂની એક કડવી યાદને ફરી તાજી કરવા માગતા ન હતા.
1992નો અફસોસ
શત્રુઘ્ન સિંહા અને રાજેશ ખન્નાની તસવીરImage copyrightTWITTER@SHATRUGHANSINHA
ફોટો લાઈન
સિંહા આજીવન ખન્નાની માફી માંગતા રહ્યા
સિંહાએ તેમની જીવનકથા 'Anything But Khamosh'માં રાજકીય જીવનની 'સૌથી કડવી યાદ'નો ઉલ્લેખ કર્યો હતો.
એ ઘટનાક્રમને કારણે 'કાકા સાહેબ' રાજેશ ખન્ના અને સિંહાના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી, જે આજીવન રહી હતી.
સિંહા લખે છે, "મારે પેટા-ચૂંટણી દ્વારા રાજકીય કારકિર્દીની શરૂઆત નહોતી કરવી જોઈતી."
"કલ્યાણસિંહ, શાંતાકુમાર અને મદનલાલ (ખુરાના) સહિતના નેતાઓએ આગ્રહ કર્યો હતો, જેને મેં નકારી કાઢ્યો હતો."
"ત્યારબાદ અડવાણીએ મને કહ્યું કે આ અમારા માટે પ્રતિષ્ઠાનો સવાલ છે અને 'ના' નથી સાંભળવી."
"હું (લાલકૃષ્ણ) અડવાણીજીને 'ના' ન કહી શક્યો. તેઓ મારા માર્ગદર્શક, ગુરૂ અને સર્વોચ્ચ નેતા હતા."
"મેં ઉમેદવારી તો કરી, પરંતુ અડવાણી એક પણ વખત મારો પ્રચાર કરવા માટે આવ્યા ન હતા. હાર્યો, ત્યારે હું રડ્યો હતો."
મૂળ મુંબઈના ફિલ્મ કલાકારો સિંહા અને ખન્ના વચ્ચે નવી દિલ્હીમાં ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં કૉંગ્રેસની ટિકિટ ઉપર ખન્ના વિજયી થયા હતા.
સિંહા કહે છે કે ખન્ના સામે ચૂંટણી લડવા બદલ પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે આજીવન મેં તેમની માફી માગી હતી.