રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (09:31 IST)

રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'ની જાહેરાત, ગુજરાતમાં કેટલો પ્રવાસ ખેડશે?

Bharat Jodo Nyaya Yatra
- રાહુલ ગાંધીની પ્રસ્તાવિત  ભારત ન્યાય યાત્રા'નું નામ હવે 'ભારત જોડો ન્યાય યાત્રા' હશે.
- કૉંગ્રેસે રાહુલ ગાંધીની આ યાત્રાનો રૂટ પણ જાહેર
- કુલ 15 રાજ્યોની કુલ 100 લોકસભાની બેઠકોમાંથી પસાર થશે અને કુલ 6713 કિલોમીટરનો પ્રવાસ ખેડશે

Bharat Jodo Nyaya Yatra
Bharat Jodo Nyaya Yatra -  કૉંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે રાહુલ ગાંધીની પ્રસ્તાવિત 'ભારત ન્યાય યાત્રા'નું નામ હવે 'ભારત જોડો ન્યાય યાત્રા' હશે. આ યાત્રા પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત સુધીનું અંતર કાપશે.
 
યાત્રા અંગે જાણકારી આપતાં પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, "આજે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં કૉંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કૉંગ્રેસ સંસદીય દળના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં 2024ની ચૂંટણીઓની તૈયારી અને રાહુલ ગાંધીજી દ્વારા મણિપુરથી મુંબઈ વચ્ચે યોજાઈ રહેલી યાત્રા પર ચર્ચા થઈ."
 
તેમણે એવું પણ કહ્યું, "રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટર લાંબી 'ભારત જોડો યાત્રા' યોજવામાં આવી. 'ભારત જોડો યાત્રા'એ સમગ્ર દેશનો માહોલ બદલી નાખ્યો હતો અને કૉંગ્રેસના કાર્યકરોમાં એક નવી ઊર્જા ભરી દીધી હતી. આ યાત્રા પક્ષ અને દેશના ઇતિહાસમાં પાયાનો પથ્થર સાબિત થઈ હતી."
 
યાત્રાનું નામ બદલવા અંગેના નિર્ણય અંગે જાણકારી આપતાં તેમણે કહ્યું, "આજની બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તમામ નેતાઓએ સર્વસંમંતિથી નિર્ણય લીધો કે આ યાત્રાનું નામ 'ભારત જોડો ન્યાય યાત્રા' હશે."
 
"ભારત જોડો યાત્રાએ દેશભરમાં જે સંદેશ આપ્યો, એને અમે આ યાત્રાની મદદથી આગળ વધારીશું. રાહુલજી આ યાત્રા દરમિયાન સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર પોતાના વિચારો રજૂ કરશે."
 
કૉંગ્રેસે રાહુલ ગાંધીની આ યાત્રાનો રૂટ પણ જાહેર કર્યો છે. મણિપુરથી મુંબઈ વચ્ચે 67 દિવસ દિવસો સુધી યાજનારી 'ભારત જોડો ન્યાય યાત્રા' મણિપુરના પાટનગર ઇમ્ફાલથી 14 જાન્યુઆરીએ શરૂ થશે અને મુંબઈમાં 20 માર્ચે પૂર્ણ થશે.
 
આ દરમિયાન તે કુલ 15 રાજ્યોની કુલ 100 લોકસભાની બેઠકોમાંથી પસાર થશે અને કુલ 6713 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. આ યાત્રા ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 11 દિવસ વિતાવશે.
 
નોંધનીય છે કે હિંદી બેલ્ટના સૌથી મહત્ત્વના રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશમાં ગત બે લોકસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહી છે.
 
'ભારત જોડો ન્યાય યાત્રા' કયા રાજ્યમાં કેટલા કિલોમીટરનો પ્રવાસ ખેડશે?
 
મણિપુરથી મુંબઈ (14 જાન્યુઆરીથી 20 માર્ચ)
મણિપુરમાં 107 કિલોમીટર અને 4 જિલ્લા
નાગાલૅન્ડમાં 257 કિલોમીટર અને 5 જિલ્લા
આસામમાં 833 કિલોમીટર અને 17 જિલ્લા
અરુણાચલ પ્રદેશમાં 55 કિલોમીટર અને 1 જિલ્લો
મેઘાલયમાં 5 કિલોમીટર અને 1 જિલ્લો
પશ્ચિમ બંગાળમાં 523 કિલોમીટર અને 7 જિલ્લા
બિહારમાં 425 કિલોમીટર અને 7 જિલ્લા
ઝારખંડમાં 804 કિલોમીટર અને 13 જિલ્લા
ઓડિશામાં 341 કિલોમીટર અને 4 જિલ્લા
છત્તીસગઢમાં 536 કિલોમીટર અને 7 જિલ્લા
ઉત્તર પ્રદેશમાં 1,074 કિલોમીટર અને 20 જિલ્લા
મધ્ય પ્રદેશમાં 698 કિલોમીટર અને 9 જિલ્લા
રાજસ્થાનમાં 128 કિલોમીટર અને 2 જિલ્લા
ગુજરાતમાં 445 કિલોમીટર અને 7 જિલ્લા
મહારાષ્ટ્રમાં 479 કિલોમીટર અને 6 જિલ્લા
 
ભારત જોડો યાત્રા શું હતી?
 
કન્યાકુમારીથી શરૂ થયેલી 'ભારત જોડો યાત્રા' 3,570 કિલોમિટરનું અંતર કાપીને 150 દિવસ બાદ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પૂર્ણ થઈ હતી.
 
આ દરમિયાન આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી. કૉંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરૂ થઈ હતી.
 
કૉંગ્રેસનો દાવો છે કે આ યાત્રાની મદદથી તે વધતી મોંઘવારી અને સામાજિક ધ્રુવીકરણ જેવા મુદ્દા પર સામાન્ય લોકો વચ્ચે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો.
 
આ યાત્રા તિરુવનંતપુરમ, કોચી, નીલાંબુર, મૈસુરુ, બેલ્લારી, રાયચૂર, વિકારાબાદ, નાંદેડ, જલગાંવ, જામોદ, ઇંદૌર, કોટા, દૌસા, અલવર, બુલંદશહર, દિલ્હી, અમ્બાલા, પઠાનકોટ અને જમ્મુમાંથી પસાર થઈ હતી.
 
ભારત જોડો યાત્રાની ટૅગલાઇન 'મિલે કદમ, જુડે વતન' હતી. કૉંગ્રેસે આ યાત્રા સાથે જોડાયેલું એક ગીત પણ રિલીઝ કર્યું હતું જેના શબ્દો હતા, "ઇક તેરા કદમ, ઇક મેરા કદમ, મિલ જાએ તો જુડ જાએ અપના વતન."
 
પાર્ટીનું કહેવું હતું કે આ યાત્રાનો ઉદ્દેશ અન્યાય વિરુદ્ધ લડાઈ, ભેદભાવ વિરુદ્ધ ઊભા થવું અને જુલમ વિરુદ્ધ એક થવાનું હતું.
 
કૉંગ્રેસે એવું પણ કહ્યું હતું કે આ યાત્રાના માધ્યમથી તેઓ દેશમાં વધી રહેલી આર્થિક મુશ્કેલીઓ, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય કેન્દ્રીયકરણને ઉજાગર કરીને તેના પર સામાન્ય લોકો સાથે ચર્ચા કરવા માગતી હતી.