સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (15:47 IST)

રાજસ્થાન: મહિલા ડૉક્ટરના આપઘાતના મામલામાં રાજ્યમાં ખાનગી હૉસ્પિટલ્સમાં ડૉક્ટર્સે કાર્યના બહિષ્કાર કર્યો

રાજ્યમાં દૌસા જિલ્લાના લાલસોટમાં મંગળવારના એક મહિલા ડૉક્ટરના આપઘાત બાદ રાજ્યભરમાં ડૉક્ટર્સ રોષે ભરાયા છે.
 
બુધવારે જયપુરના સ્ટેચ્યૂ સર્કલ પર મોટી સંખ્યામાં ડૉક્ટર્સે વિરોધપ્રદર્શન કર્યું અને દોષિતો સામે કાર્યવાહી નહીં થવા પર આંદોલનની ચિમકી આપી.
 
ડૉક્ટર્સે રાજ્યભરની ખાનગી હૉસ્પિટલ્સમાં 24 કલાક કામનો બહિષ્કાર કર્યો છે ત્યાર રાજ્યની સરકારી હૉસ્પિટલોના ડૉક્ટર્સે બુધવાર સવારે નવ વાગ્યાથી 11 વાગ્યા સુધી કામનો બહિષ્કાર કર્યો હતો.
 
મૃતક ડૉક્ટર્સ અર્ચના શર્માની લાલસોટમાં એક ખાનગી હૉસ્પિટલ હતી. જ્યાં સોમવારે ડિલીવરી દરમિયાન પ્રસૂતિ કરાવવા આવેલાં એક મહિલાનું મૃત્યુ થયું હતું, ત્યાર બાદ પરિવારજનોએ હંગામો કર્યો અને ડૉ. અર્ચના સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોલીસ ફરિયાદ પછીથીજ તણાવમાં હતાં.
 
આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
 
મૃતક ડૉક્ટરની એક સ્યુસાઇડ નોટ સામે આવી છે. જેમાં ડૉક્ટરે લખ્યું છે કે, "મેં કોઈ ભૂલ કરી નથી, મેં કોઈને નથી મારી. હું મરી જાઉં તો કદાચ હું પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકીશ. હું મારા પતિ અને બાળકોને બહુ પ્રેમ કરું છું. કૃપા કરીને મારા મર્યા પછી તેમને પરેશાન ન કરવામાં આવે. પીપીએચ કૉમ્પ્લિકેશન છે, તેના માટે ડૉક્ટરોની પજવણી બંધ કરો."
 
મૃતકના પતિ ડૉક્ટર સુનીત ઉપાધ્યાય પણ ડૉક્ટર છે. પતિ-પત્ની મળીને લાલસોટમાં એક હૉસ્પિટલ ચલાવતાં હતાં. ડૉક્ટર ઉપાધ્યાયે પણ લાલસોટ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર દાખલ કરી છે જે પ્રમાણે હૉસ્પિટલમાં એક મહિલા દર્દીના મૃત્યુ પર કેટલાક લોકોએ હૉસ્પિટલનો ઘેરાવ કર્યો અને હત્યાનો કેસ દાખલ કરવા માટે પ્રશાસન પર દબાણ કરવાનું ગંદું રાજકારણ કરવાનો આરોપ કર્યો છે.
 
રાજસ્થાનના આરોગ્ય તથા ચિકિત્સા મંત્રી પરસાદી લાલ મીણાના વિધાનસભા વિસ્તાર લાલસોટમાં જ આ ઘટના થઈ છે.
 
આ મામલામાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, "દૌસામાં ડૉ. અર્ચના શર્માની આપઘાતની ઘટના ખૂબ દુ:ખદ છે. દર ડૉક્ટર દર્દીનો જીવ બચાવવા માટે પૂરતા પ્રયત્ન કરે છે પરંતુ કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટના થતાં જ ડૉક્ટર પર આરોપ લગાવવું ન્યાયસંગત નથી. જો આ રીતે ડૉક્ટરને ડરાવવામાં આવશે તો તેઓ નિશ્ચિન્ત થઈને કેવી રીતે કામ કરી શકશે. આ મામલાની ગંભીરતાથી તપાસ થઈ રહી છે અને દોષિતોને છોડવામાં નહીં આવે.”