1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (15:16 IST)

પ્રેમ કરવાની તાલિબાની સજા, યુવકને સાડી પહેરાવીને ગુપ્ત ભાગે ઢોર માર મારતા મોત, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં પ્રેમપ્રકરણમાં યુવકને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. યુવતીનાં પરિવારજનોને બંનેના પ્રેમપ્રકરણની ખબર પડી જતાં તેમણે યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેકને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોરમાર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી માર માર્યો હતો. જેમાં 20 વર્ષીય યુવક જયેશ રાવળનું મોત થયું હતું. યુવકને ઢોરમાર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.
 
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે હત્યા અને અપહરણનો ગુનો દાખલ કર્યો છે.
 
આ અંગે મૃતક યુવાનની બહેને જણાવ્યું હતું કે, મારા ભાઇને ઢસડીને લઇ ગયા અને મારા ભાઇને મારી નાખવાની વાતો કરતા હતા. મને પણ માર માર્યો હતો. જેથી ચક્કર આવતા હું પડી હતી. મારા ભાઇની આ લોકોએ હત્યા કરી છે. મારા ભાઇને જેમ મારી નાખ્યો તેમ આરોપીઓને ફાંસીની સજા થવી જોઇએ. મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે, અમારે ન્યાય જોઇએ છે.
 
હાલ ગામમાં શાંતિ ન ડહોળાય એ માટે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે. કોઇને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી.