ચોકાંવનારી ઘટના, સગર્ભાનું હૃદય ફાટી જવાથી મોત
વધુ પડતા માનસિક તણાવમાં સુરતના સરથાણા કૃષ્ણા રો હાઉસમાં સગર્ભાનું હૃદય ફાટી જવાથી મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ આવી ઘટના બનતી હોવાનો પ્રાથમિક અભિપ્રાય આપ્યો છે. 25 વર્ષીય યોગીતા મહેશ વઘાસિયાને 6 માસનો ગર્ભ હતો અને બેભાન થઈ ગયા બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાઈ હતી.
સુરતમાં રહેતી યોગીતા વઘાસિયા (ઉ.વ. 25) મૂળ સોમનાથના હતા. પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે. યોગીતાને એક 3 વર્ષની દીકરી પણ છે અને આ તેણીની બીજી પ્રસુતિ હતી. ઘટના 16મી રાત્રે 10 વાગ્યે બની હતી. અચાનક બેભાન થઈ ગયા બાદ સગર્ભા યોગીતાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. જ્યાં મૃત જાહેર કરાતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો. 6 માસના ગર્ભ સાથે સગર્ભાનું મોત થતા પોલીસ જાણ કરાઈ હતી. મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની દિશામાં પોલીસે કાર્યવાહી કરી હતી.
ડોક્ટર મુજબ ઘટનામાં એટેક આવ્યો હોય એમ ન કહી શકાય પણ હૃદયના ધબકારા અચાનક વધી જતાં જોરથી પમ્પિંગ કરતા હોય ત્યારે હૃદય ફાટવાની ઘટના બનતી હોય એમ કહી શકાય છે. ચોંકવાનારો કિસ્સો છે, છતાં મૃત્યુનું ચોક્કસ કારણ તો લેબના રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાય છે.