શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (18:07 IST)

2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી સક્રિય, પાટીદાર યુવાનો પરના કેસો પાછા ખેંચવા માંગ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી.પટેલ ઉપરાંત ઊંઝા ઉમિયાધામ સંસ્થાનના માનદ મંત્રી દિલીપ પટેલે પણ હવે પાટીદાર યુવાનો પરના કેસો પાછા ખેંચવા માંગ કરી છે. ઊંઝા ઉમિયા સંસ્થાને રાજ્ય સરકારને પત્ર લખી યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં જસદણમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓએ આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા કેસો પાછા ખેંચવા ફરી માગ કરી હતી. રાજ્યમાં વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી સક્રિય થયો છે. પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓમાં આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પાછા ખેંચવા સૂર ઉઠ્યો છે.
 
 તાજેતરમાં જ રાજકોટના જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંદોલનમાં શહીદ થયેલા 14 વીરોના સ્મારકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, આજે જસદણમાં પાટીદાર સમાજ એક મંચ પર આવ્યો છે. પાટીદારો પર કરવામાં આવેલા કેસો સરકાર દ્વારા હજી સુધી પરત ખેંચવામાં આવ્યા નથી. તમામ કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય આવ્યે બતાવીશું. પાટીદાર સમાજના યુવાનો ક્લાર્કથી કલેક્ટર અને રાજકારણમાં સરપંચથી સાંસદના પણ પાટીદારો જ હોવા જોઈએ તેવું પણ નરેશ પટેલએ નિવેદન આપ્યું છે