1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. BJP-Congress non-political faces

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સેલિબ્રિટી પાવર’: ભાજપ-કોંગ્રેસનુ ‘સેલિબ્રિટી કાર્ડ’, જાણો કયા સ્ટાર્સ લડશે ચૂંટણી જંગ

BJP Congress  non-political faces
BJP Congress non-political faces
 
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના જંગમાં આ વખતે રાજકીય સમીકરણોની સાથે ગ્લેમરનો તડકો પણ જોવા મળી રહ્યો છે. ભાજપે હંમેશની જેમ પોતાની ‘સોર્સ આઉટ’ રણનીતિ અપનાવીને રાજકારણના સિલેબસ બહારના લોકપ્રિય ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. નેહા સુથાર, રાજલ બારોટ અને અંકિતા પરમાર જેવા નોન-પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો દ્વારા ભાજપ મતદારોને આકર્ષવા મચી પડ્યું છે, તો સામે પક્ષે કોંગ્રેસે પણ લોકપ્રિય રેડિયો જોકીને ટિકિટ આપીને વળતો પ્રહાર કર્યો છે.
 

ક્લીન ઈમેજ અને લોકપ્રિયતા: કેમ નોન-પોલિટિકલ ચહેરાઓ પર પસંદગીનો કળશ?
 

ભાજપની સ્ટ્રેટેજી હંમેશા સ્પષ્ટ રહી છે – પોતાના ક્ષેત્રમાં જાણીતા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોને ટિકિટ આપવી. અગાઉ દીપિકા ચિખલિયા, પી.સી. બરંડા અને હવે આઈપીએસ મનોજ નિનામા જેવા બ્યૂરોક્રેટ્સને ઉતારીને ભાજપે સાબિત કર્યું છે કે લોકો સેલિબ્રિટીની છબી અને તેમની નિષ્ઠા પર વધુ ભરોસો મૂકે છે. આ વખતે પણ કલાકારો અને સોશિયલ મીડિયા સ્ટાર્સને મેદાનમાં ઉતારીને પક્ષ નવી પેઢીના મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે.
 

ઉનામાં રાજલ બારોટની એન્ટ્રી: સંગીતના સૂર બાદ હવે જનસેવાનો મંચ
 

લોકપ્રિય ગુજરાતી સિંગર રાજલ બારોટે ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7  માંથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી કરી છે. રાજલ બારોટને ભાજપ હાઈકમાન્ડ તરફથી મેન્ડેટ મળતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજલના પતિ અલ્પેશ બાંભણિયા પોતે પૂર્વ નગર સેવક રહી ચૂક્યા છે, જેથી રાજલ પાસે કલાની સાથે પારિવારિક રાજકીય અનુભવનું ભાથું પણ છે.
 

મહેસાણામાં નેહા સુથારનો જલવો: વિજાપુરની ફુડેડા બેઠક પર જંગ
 

ઉત્તર ગુજરાતમાં પોતાની ગાયકીથી લાખો લોકોના દિલ જીતનાર નેહા સુથાર હવે વિજાપુર તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે જોવા મળશે. ભાજપે નેહાને ફુડેડા બેઠક પરથી મેદાનમાં ઉતારીને મહેસાણાના રાજકારણમાં નવો ઉત્સાહ ભર્યો છે. ગઈકાલે ફોર્મ ભર્યા બાદ નેહા સુથારે પક્ષનો આભાર માનતા જણાવ્યું હતું કે, જે રીતે લોકોએ મને સંગીત ક્ષેત્રે પ્રેમ આપ્યો છે, તે જ રીતે હવે હું લોકસેવા દ્વારા તે પ્રેમ પરત કરવા માંગુ છું.
 

સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર: 10  લાખ ફોલોઅર્સ અને વિકાસનું લક્ષ્ય
 

વડોદરાની પોર બેઠક પરથી સોશિયલ મીડિયા સેન્સેશન અંકિતા પરમારે ઉમેદવારી નોંધાવી છે. ૧૦ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા અંકિતા હાલ પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે અને અગાઉ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા ભલે હોય, પણ રાજનીતિમાં માત્ર કામ જ બોલે છે. તેઓ પોતાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કાર્યોને આગળ ધપાવવા કટિબદ્ધ છે.

માયાભાઈ આહીરની દીકરીની એન્ટ્રી: ચાવંડમાં સોનલબેન ડેર મેદાનમાં
 

લોકસાહિત્યના બેતાજ બાદશાહ માયાભાઈ આહીરના પરિવારમાંથી પણ હવે રાજકીય એન્ટ્રી થઈ છે. તેમની પુત્રી સોનલબેન મોનીલભાઈ ડેરે ચાવંડ તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. સોનલબેન માત્ર માયાભાઈના પુત્રી જ નથી, પરંતુ અમરેલીના જાણીતા ભાજપ અગ્રણી જીતુ ડેરના પુત્રવધૂ પણ છે, જેમના પરિવારનો વિસ્તારમાં મોટો પ્રભાવ હોવાથી આ બેઠક પર જીત નિશ્ચિત મનાઈ રહી છે.
 

રાજકોટમાં કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક: RJ આભા અને ભાર્ગવીબાની મહિલા પેનલ
 

સામે પક્ષે કોંગ્રેસે પણ રાજકોટના વોર્ડ નંબર 10  માં યુવા અને શિક્ષિત ઉમેદવાર RJ આભા દેસાઈને મેદાનમાં ઉતારીને ભાજપને ટક્કર આપી છે. વર્ષોથી રેડિયો જોકી તરીકે પ્રખ્યાત આભા દેસાઈ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. તેમની સાથે ક્ષત્રિય આંદોલનનો ચહેરો ભાર્ગવીબા ગોહિલને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે એક મજબૂત મહિલા પેનલ તૈયાર કરી છે, જે રાજકોટના રાજકારણમાં આ વખતે મોટો ઉલટફેર કરી શકે છે.
 
સુરતમાં આમ આદમી પાર્ટીએ ઈન્ફલ્યુએનઝર સોના સિંઘને ટિકિટ આપી. સોના સિંઘ 29 નંબર ના વોર્ડમાં ઉમેદવારી કરી. સોના સિંઘના સોશિયલ મીડિયા પર 20 હજાર ફોલોઅર્સ છે. તેઓએ કહ્યું કે, એક વીડિયો માણસને ઉપર લઈ જતો હોય છે. 
આગળનો લેખ
Jallianwala Bagh massacre -જલિયાવાંલા બાગ હત્યાકાંડ : 10 મિનિટમાં 1650 રાઉંડ ગોળીબાર !!