મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 9 ઑક્ટોબર 2020 (14:43 IST)

કોંગ્રેસ દ્વારા આજે 'જન આક્રોશ રેલીનું આયોજન, વચ્યુઅલ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે

‘ગુજરાત જનઆક્રોશ રેલી’ ને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અહમદ પટેલ, રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશભાઈ ધાનાણી સહિતના મહાનુભાવો સંબોધન કરશે. ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ૯મી ઓક્ટોબર બપોરે ૧૨-૦૦ કલાકે ‘ગુજરાત જનઆક્રોશ રેલી’ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં ભાજપ સરકારની નીતિ - રીતિ અને નિયતને કારણે જે રીતે દિન-પ્રતિદિન સમાજના તમામ વર્ગના લોકોને અન્યાય થાય તમામ વર્ગના લોકો ઉપર અત્યાચાર વધે એ રીતે શાસન ચાલી રહ્યું છે. એના કારણે આખા દેશના લોકોમાં ખુબ મોટો આક્રોશ છે. 
ગુજરાતમાં ખેડૂતો ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે પહેલેથી જ આર્થિક રીતે ખુબ મોટુ નુકસાન ભોગવી રહ્યાં છે. એક બાજુ પરસેવાના પૈસા પ્રિમિયમમાં ભર્યા પછી પણ નુકસાનીનું વળતર ના મળે એના માટેનો એ પાક વિમા છો તે સમયસર ના મળે અને પાક વિમો મેળવવા માટે લાંબી લડત પછી પછી પણ કોઈ પરિણામ ના આવે એના કારણે ગુજરાતના ખેડૂતો ખૂબ આક્રોશમાં છે. હમણાં જ અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને ખૂબ મોટુ નુકસાન થયું. સરકારે જાહેર કરી કે પંદર દિવસની અંદર સર્વે કરીને નુકસાનીનું વળતર આપીશું. 
 
આજે લગભગ દોઢ મહિના થયા છતા પણ એક પણ ખેડૂતના ખાતામાં એક પણ રૂપિયાનું વળતર ચુકવાયું નથી. ઉલટાનું ૫૦ ટકા ગુજરાતને આ સર્વેની કામગીરીમાં બાકાત કરી દેવામાં આવ્યા. ૨૫૦માંથી ખાલી ૧૨૩ તાલુકાને જ સર્વે કરવાની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા. એના કારણે પણ ગુજરાતના મોટા ભાગના તાલુકાના ખેડૂતો પણ ખુબ આક્રોશમાં છે. ખેડૂતોની સ્થિતિ પહેલાજ ખરાબ હતી અને હવે દેશની પાર્લામેન્ટમાં ભાજપે જે ખેડૂત વિરોધી કાળા કાયદા બનાવ્યા. એના કારણે આવનારા સમયમાં ખેડૂત - ખેડૂત નહી પણ ખેત મજૂર બનવાનો. ખેડૂત પોતાના જ ખેતરમાં કંપનીઓ જે ખેતી કરશે એની મજુરી કરવાના દિવસો આવવાના છે. 
 
આ કાળા કાયદાને પાછા ખેંચવા માટે આખા દેશના ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે, જે વિરોધ કરી રહ્યા છે. એજ વિરોધનો ભાગ ગુજરાતનો એક એક ખેડૂત પણ સામેલ છે અને એના માટે પણ પ્રજામાં ખુબ મોટો આક્રોશ છે. ભાજપ સરકાર હંમેશા ઉદ્યોગપતિઓની સરકાર રહી છે. ઉદ્યોગપતિઓની મદદ કરવાની હોય, ઉદ્યોગપતિઓના ટેક્ષ માફ કરવાના હોય એને લાભ આપવાનો હોય તો સરકારી તિજોરીઓ ખુલ્લી મુકવામાં આવે છે. અને બીજી બાજુ જ્યારે કોરોના – લોકડાઉનને કારણે લોકો આર્થિક સ્થિતિ ખુબ ખરાબ થઈ છે. લોકોની આવક પણ ઘટી છે, નોકરીઓ છીનવાઈ ગઈ છે, ધંધા વેપાર બંધ થયા છે, મંદીનો માહોલ છે. એવા સમયમાં વિદ્યાર્થીઓની ફી માફીની માંગ જ્યારે ગુજરાતના વાલીઓ કરતા હોય, પરિવારો કરતા હોય ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી અને એક પછી એક ખાલી ખોટી જાહેરાતો કરી લોકોને લોલીપોપ આપી રહી છે. 
 
આ વિદ્યાર્થીઓની ફી માફીને લઈને વારંવાર આંદોલનો થયા પણ સરકારે આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરી. એના કારણે વિદ્યાર્થીઓ – વાલીઓમાં ખુબ મોટો આક્રોશ છે. આપણા સૌના માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે કે આજે આપણા પરિવારની દિકરી ઘરની બહાર જાય તો સાંજે સાજી – સુરક્ષીત ઘરે પાછી આવશે કે કેમ ? ગુજરાતમાં કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. ગુંડા રાજ ચારે તરફ ચાલી રહ્યું છે. ગુંડાઓ બેફામ થયા છે, ખંડણીઓ માટે કાયદો – વ્યવસ્થાની ધજીયા ઉડાવે એ રીતના બનાવો રોજ સામે આવી રહ્યા છે. 
 
ઉત્તર પ્રદેશમાં હાથરસ ખાતે એક માસુમ દિકરી ઉપર પાશવી બળાત્કાર થયો. હત્યા કરવામાં આવી અને હત્યા પછી  એની ડેડબોડી પણ તેના પરિવારને સોંપવામાં ન આવે. આ બનાવની આખા દેશના લોકો ખુબ મોટો આક્રોશ પ્રજવલીત થયો. જામનગર, વડોદરા, સંતરામપુર, હળવદ, રાજકોટ કે અન્ય જગ્યા હોય દરેક જગ્યાએ મહિલાઓ ઉપર અત્યાચાર – બળાત્કારના બનાવો વધી રહ્યાં છે. લોકોને આજે પોતાની દિકરી - મહિલાઓની ચિંતા છે એના ભવિષ્યની ચિંતા છે. એની સુરક્ષાની ચિંતા છે. ત્યારે એ બાબતે પણ પ્રજામાં ખુબ મોટો આક્રોશ છે. 
 
 
એકતરફ મંદીનો માહોલ છે. જી.એસ.ટી. ના નામે એક એક નાના મોટા વેપારીઓને નોટીસો મોકલી છે. આ નોટીસો પણ તોડ કરવા માટેનું એક માધ્યમ છે અને એ તોડ કરીને સરકાર મોટો ભ્રષ્ટાચાર કરી અને સામાન્ય જે વેપારીઓ તેને મંદીનો ભોગ બન્યા છે. હેરાન પરેશાન કરી રહ્યાં છે. એ બાબતે પણ પ્રજામાં – વેપારીઓમાં ખુબ મોટો આક્રોશ છે. ખાનગી હોસ્પીટલોમાં લુટ ચલાવવામાં આવી રહી છે. 
આ સરકારની ભૂલોને કારણે વહીવટી અનઆવડત અને સંકલનના અભાવને કારણે કોરોના આજે આખા ગુજરાતમાં જે પ્રસર્યો છે અને જે રીતે લગભગ ૪૦૦૦ કરતા વધારે લોકોના મોત થયા એનાથી પણ પ્રજામાં સરકાર સામે ખુબ મોટો આક્રોશ છે. 
 
આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. જ્યારે જ્યારે સરકારે અન્યાય કર્યો, જ્યારે જ્યારે લોકોને તકલીફ પડી ત્યારે ત્યારે લોકો રસ્તા ઉપર ઉતરીને અહિંસક રીતે ગાંધીજીના માર્ગે આંદોલનો કરતા આવ્યા છે. પણ આ સરકાર નીતિ રહી છે કે કોઈપણ અવાજ ના ઉઠાવે, કોઈપણ આંદોલન ના કરે કોઈની પણ વાત નહી સાંભળવાની અને એટલાજ કારણે રસ્તા ઉપર આંદોલન થાય ત્યારે પોલીસને આગળ કરી પ્રશાસનનો દુરુપયોગ કરી અને લોકોને દબાવવાનો – ડરાવવાનો અને અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે. 
 
આ કોરોના મહામારીમાં લોકોને એક સાથે આપણે એકત્રીત ના કરીએ, ગાઈડલાઈનનો અમલ કરી કોંગ્રેસ પક્ષ તા. ૯મી ઓક્ટોબરના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે કાળા કાયદા પાછા લેવા માટે, ગુજરાતની ખાનગી શાળાઓ – કોલેજોમાં ફી માફીની માંગને લઈને, ધંધા વેપારમાં જે રીતે જી.એસ.ટી. અને બીજા નામે હેરાનગતિ હોય તે બંધ થાય, સરકાર ભરતી પ્રક્રિયાના નામે ગુજરાતના યુવાનો સાથે જે મજાક થઈ રહી છે તે બંધ થાય અને પારદર્શક ભરતી પ્રક્રિયા, મહિલાઓને જે અન્યાય, અત્યાચાર અને બળાત્કારના બનાવો બની રહ્યા છે તે સામે મહિલા સુરક્ષાની તાત્કાલીક જોગવાઈ થાય આ બાબતોમાં પ્રજામાં જે આક્રોશ છે. 
 
તે આક્રોશને વાચા આપવા માટે ‘જનઆક્રોશ રેલી’ ને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો આદરણીય શ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત સંગઠનના પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત તમામ વરિષ્ઠ આગેવાનો વર્ચ્યુઅલ રેલીના માધ્યમથી ગુજરાત અને દેશના લોકોને સંબોધીત કરશે. ગુજરાતની જનતાના મનમાં જે આક્રોશ છે નાગરિકોને સરકાર તરફથી અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એના ઉજાગર કરવાનો આ રેલીનો માધ્યમથી કોંગ્રેસપક્ષનો પ્રયાસ છે. ત્યારે આપ સૌ ગુજરાત જનઆક્રોશ વર્ચ્યુઅલ રેલીમાં જોડાવો એવી સૌને અપીલ છે.
 
એ.આઈ.સી.સી.ના સોશ્યલ મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેન રોહન ગુપ્તાએ ગુજરાત જનઆક્રોશ રેલી અંગે અને રાષ્ટ્રિય કક્ષાએ નાગરિકોને પડી રહેલ મુશ્કેલી અંગે વિસ્તૃત વાત કરી હતી અને વર્ચ્યુઅલ જનઆક્રોશ રેલીની માહિતી આપી હતી.