રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (20:20 IST)

ગાંધીનગરમાં શંકાશીલ સ્વભાવથી સચિવાલયના ક્લાસ-1 અધિકારીએ આખી રાત બસ સ્ટેન્ડમાં વિતાવી

ઓફિસના ટાઈમે પત્નીના વારંવાર ફોન કરવાના ત્રાસથી ક્લાસ-1 અધિકારીએ એક સમયે તો સુસાઇડ કરવાનો પણ વિચાર કરી લીધો હતો
ગુજરાતીમાં એક કહેવત છે કે ‘વહેમનું કોઈ ઓસડ હોતું નથી.’ આવા જ વહેમને કારણે એક ક્લાસ વન અધિકારીને આખી રાત બસ સ્ટેન્ડમાં ગુજારવી પડી હતી. કચેરી સમય દરમિયાન અધિકારીની પત્ની અવારનવાર ફોન કરતી હતી. જોકે અધિકારી કામમાં હોવાથી ફોન રિસીવ કરી શક્યા ન હતા. શંકાશીલ પત્નીથી કંટાળી જઈને અધિકારીએ સુસાઇડ કરવા સુધીનો વિચાર કરી નાખ્યો હતો, પરંતુ આખરી સમયે મિત્રને ફોન કરતાં સમજાવીને સમગ્ર મામલાને નિપટાવી દીધો હતો.
 
સચિવાલયમાં ફરજ બજાવતા એક ક્લાસ વન અધિકારીને હાલમાં અન્ય રાજ્યમાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે, જ્યારે તેમનો પરિવાર પાટનગરમાં વસવાટ કરી રહ્યો છે. તેઓ પખવાડિયે ગાંધીનગરમાં પરિવારને મળવા આવે છે. કચેરી સમય દરમિયાન અવારનવાર તેમની પત્ની ખબરઅંતર જાણવા ફોન કરતી હતી. જોકે ક્યારેક ઓફિસમાં કામ હોવાથી અધિકારી ફોન રિસીવ કરવાનું ટાળતા હતા. પરિણામે, તેમની પત્ની ખોટી શંકા કરતી હતી. પોતાનો ફોન રિસીવ ન થાય તો પત્ની એવું વિચારતી કે પતિ અન્ય યુવતી સાથે સમય વિતાવી રહ્યો છે અને એટલે જ ફોન રિસીવ કરતા નથી. જ્યારે પખવાડિએ પતિ ગાંધીનગરમાં પરિવારને મળવા માટે આવે ત્યારે શંકાશીલ પત્ની આ ક્લાસ વન અધિકારીનું જીવવું હરામ કરી નાખતી હતી. આખરે ત્રસ્ત ક્લાસ વન અધિકારીએ સુસાઇડ કરવાનો વિચાર કરી લીધો હતો.
 
તાજેતરમાં ગાંધીનગરમાં પરિવારને મળવા આવ્યા ત્યારે પત્નીએ પુન: આ બાબતે તકરાર કરી હતી. પત્નીનો ત્રાસ સહન નહિ થતાં આખરે આ અધિકારી ઘરેથી કાર લઇને નીકળી ગયા હતા અને રોડ ઉપર એક બસ સ્ટેન્ડમાં રાત વિતાવી હતી. આ સમયે અધિકારીને સુસાઇડ કરવાનો વિચાર આવ્યો હતો. આખરી સમયે તેમના મિત્રને આ સમગ્ર બાબતની જાણ કરતાં તેમણે સ્થળ પર પહોંચી અધિકારીને સમજાવ્યા હતા. બીજા દિવસે તેમનાં પત્નીને એક કચેરીમાં લઈ જઈને મહિલા અધિકારીઓ અને પુરુષ અધિકારીઓની કામગીરી કેવા પ્રકારની હોય છે એનું જાત નિરીક્ષણ કરાવતાં શંકાશીલ પત્નીને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે પતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.