શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 23 જૂન 2022 (16:34 IST)

ધાતરવડી અને શેત્રુંજી નદીમાં ચોમાસાનું પહેલું પૂર, અમરેલી જિલ્લો અડધા કલાકમાં પાણી પાણી

rain amreli
અમરેલી જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે ખાંભા શહેરમાં અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસતા ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસાનું પહેલું પૂર આવ્યું છે. જેના કારણે આસપાસના ખેતરો પણ પાણીથી તરબોળ થયા હતા. જ્યારે અમરેલી શહેરમાં મધરાતે 25 મિનિટમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નંદીમા પાણી આવ્યું છે.
rain amreli

ઘોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદીમાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.સમગ્ર વિસ્તારમાં ધીમીધારે વરસાદ હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. ખાંભાના નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ, વાકીયા આસપાસના ગામડાના ખેડૂતોને વાવણીમાં જીવનદાન મળ્યું છે. ખેડૂતોના પાક બળી જવાના આરે હતા, ધરતી પુત્રો વરસાદની કાગડોળે રાહ જોય રહ્યા હતા ત્યારે આ વરસાદના કારણે નવું જીવનદાન પાકને મળ્યું છે.આ ઉપરાંત સાવરકુંડલા શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં જેસર રોડ રિદ્ધિસિદ્ધિ ચોક, મહુવા રોડ અને હાથસણી રોડ સહિતના વિવિધ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જ્યારે મધરાતે પડેલા વરસાદના કારણે નાવલી નદી પણ બે કાંઠે થઇ હતી, પરંતુ વહેલી સવારે પાણી ઓસરી ગયું છે. હજુ વરસાદ વધુ પડશે તો ફરી અહીં પુર આવે તેવી શકયતા વર્તાઇ રહી છે.