રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (18:28 IST)

GPSCએ ડિલિવરીના ત્રીજા દિવસે મહિલાને ઈન્ટરવ્યૂ માટે બોલાવીઃ હાઈકોર્ટે ઝાટકણી કાઢી

GPSC
- ઈન્ટરવ્યુ પાછો ઠેલે અથવા તો તેને કોઈ વિકલ્પ પૂરો પાડે
- GPSCએ મહિલાની અરજી ફગાવી દીધી હતી
- વધારાનો સમય આપવામાં આવશે નહીં

 
Gandhinagar news- એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને તેના બે દિવસ બાદ તેને ઈન્ટરવ્યુ આપવા માટે બોલાવવામાં આવી હતી. મહિલાએ આયોગને વિનંતી કરી હતી કે, તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેતા તેનો ઈન્ટરવ્યુ પાછો ઠેલે અથવા તો તેને કોઈ વિકલ્પ પૂરો પાડે.આ મહિલાએ આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ-2 ની પોસ્ટ માટે પરીક્ષા આપી હતી અને લેખિત પરીક્ષામાં પાસ થઈ ગયા બાદ તેને ઈન્ટરવ્યુ આપવાનો હતો. આયોગ દ્વારા મહિલાની વિનંતી ફગાવી દેવામાં આવી હતી. હાઈકોર્ટે આયોગને ઈન્ટરવ્યુના પરિણામો જાહેર ન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
 
ઓનલાઈન ઇન્ટરવ્યુ જેવા વૈકલ્પિક ઉકેલ પ્રદાન કરો
આ મામલે હાઇકોર્ટે નારાજગી વ્યકત કરીને એવી ટકોર કરી હતી કે, નિયમો માણસો માટે હોય છે કોઇ વસ્તુ માટે નહીં. અપવાદરૂપ આ પ્રકારના કેસમાં જીપીએસસીએ રાહત આપવી જોઇએ. આ મામલે કેસની વધુ સુનાવણી 19 જાન્યુઆરી પર મુકરર કરી છે.કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે, અરજદાર જે એક મેરીટોરીયસ ઉમેદવાર હતો અને તે બાળકને જન્મ આપ્યાના ત્રીજા દિવસે ઈન્ટરવ્યુમાં હાજરી આપવા માટે શારીરિક રીતે સક્ષમ ન હતો. જ્યારે આવી પરિસ્થિતિમાં ઉમેદવાર દ્વારા વાજબી વિનંતી કરવામાં આવી હતી, ત્યારે GPSC ઈન્ટરવ્યુ પ્રક્રિયાને મુલતવી રાખે અથવા જો તે નિયમો દ્વારા માન્ય હોય તો ઓનલાઈન ઇન્ટરવ્યુ જેવા વૈકલ્પિક ઉકેલ પ્રદાન કરો. 
 
300 કિ.મીનો પ્રવાસ કરીને ઈન્ટરવ્યૂ આપવા આવવું અશક્ય
મહિલાએ GPSC દ્વારા 2020માં જે પોસ્ટ બહાર પાડવામાં આવી હતી તે માટેની લેખિત પરીક્ષા પાસ કરી લીધી હતી. તેમને 18 ડિસેમ્બર 2023ના રોજ જાણ કરવામાં આવી હતી કે તેમને 1 કે 2 જાન્યુઆરી 2024ના રોજ ઈન્ટરવ્યુ આપવા આવવાનું છે. જોકે, મહિલાએ તે જ દિવસે આયોગને એક ઈમેલ લખ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ છે અને બાળકના જન્મની સંભિવત સમયગાળો જાન્યુઆરી 2024ના પ્રથમ સપ્તાહમાં છે. તેથી પ્રેગ્નેન્સીના આ તબક્કામાં તેના માટે 300 કિમી પ્રવાસ કરીને ગાંધીનગર ઈન્ટરવ્યુ આપવા આવવું અશક્ય છે. 
 
GPSCએ મહિલાની અરજી ફગાવી દીધી હતી
મહિલાએ 31 ડિસેમ્બર 2023ના રોજ બાળકને જન્મ આપ્યો હતો અને ઈમલ દ્વારા આયોગને જાણ કરી હતી કે તેણે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો છે તેથી તે ઈન્ટરવ્યુ માટે આવી શકે તેમ નથી. તેથી તેનો ઈન્ટરવ્યુ પાછો ઠેલવામાં આવે અથવા તો તેને કોઈ વિકલ્પ પૂરો પાડવામાં આવે. GPSCએ કહ્યું હતું કે તેમણે 2 જાન્યુઆરીએ ઈન્ટરવ્યુમાં હાજર રહેવું પડશે અને ત્યારબાદ તેમને કોઈ વધારાનો સમય આપવામાં આવશે નહીં. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, મહિલાએ લેખિત પરીક્ષા આપી તેના ત્રણ વર્ષ બાદ 8 ડિસેમ્બર 2023ના રોજ તેનું પરીણામ જાહેર થયું હતું. મહિલા આ લેખિત પરીક્ષામાં પાસ થઈ હતી અને ત્યારબાદ તેને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી હતી.