બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જૂન 2019 (17:59 IST)

મહિલાને માર મારનાર ભાજપના ધારાસભ્ય થાવાણી મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગે જવાબ માંગ્યો

નરોડામાં ધારાસભ્ય બલરામ થાવાણી અને તેમના મળતિયાઓએ મળી પાણીની રજૂઆત કરવા ગયેલી મહિલાને ઢોર માર માર્યો હતો. જેને પગલે સફાળા જાગેલા મહિલા આયોગે સુઆમોટો કરી હતી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો હતો. જ્યારે ઘટનાને પગલે દિલ્હીમાં મળેલી બેઠકમાં રાષ્ટ્રીય મહિલા આયોગે રાજ્ય મહિલા આયોગ પાસે જવાબ માંગ્યો છે. પાણીની વિકટ સમસ્યાને પગલે રવિવારે મહિલાઓ સ્થાનિક ધારાસભ્યની ઓફિસની બહાર વિરોધ નોંધાવી રહ્યાં હતાં. 
તે સમયે મહિલાઓ સાથે વાતચીત સમયે થાવાણીએ તેને માર માર્યો હતો. આજે સવારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય સામે મહિલાના માર મારવા બદલનો મારામારીનો ગુનો નોંધવામાં આવ્યું હતું. ભાજપ મહિલા મોરચો મહિલાઓને ન્યાય અપાવવા અને મત મેળવવા સક્રિય હોય છે તે મહિલા મોરચાના પ્રમુખ કે અન્ય મહિલા આગેવાનો મહિલાને ન્યાય અપાવવા હરફ સુધ્ધા ઉચ્ચારતા દેખાતા નથી.
મોડી રાત્રે પીડિતા નીતુ તેજવાણી બલરામ થાવાણી સામે ફરિયાદ કરવા મેઘાણીનગર પોલીસ સ્ટેશન ગઈ હતી. પરંતુ પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી. પોલીસે પીડિતાને સમજાવીને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા ફરિયાદ નોંધાવવા ઈચ્છતી હતી છતાં મેઘાણીનગર પોલીસે ફરિયાદ લીધી ન હતી. ઘટનાના ગંભીર પડઘા પડતાં તેમજ રાજ્ય મહિલા આયોગે રિપોર્ટ માંગતા છેવટે પોલીસ અત્યાર ફરિયાદ નોંધી હતી.
મહિલા સહિત સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નરોડામાં પાણીની વ્યાપક તંગી છે. ધારાસભ્ય સહિત સ્થાનિક રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું, જેથી ધારાસભ્યનો ઘેરાવ કર્યો હતો. જે તેમને ન ગમતા કાર્યકરો સાથે મળી મહિલાને માર માર્યો હતો. મહિલા સશક્તિકરણની વાતો કરનાર ભાજપના જ ધારાસભ્યે નિષ્ઠુર બની મહિલાને માર મારી હોદ્દાની ગરિમા પણ જાળવી નથી. 
જાહેરમાં મહિલાને માર મારવાનો વીડિયો આગની માફક સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો. ધારાસભ્ય બલરામ થાવાણીએ કહ્યું કે પાણીની તંગીના પગલે રવિવારે સાંજે 40 મહિલા અને 20 પુરુષનું ટોળું મારી ઓફિસે રજૂઆત કરવા આવ્યું હતું. સોમવારે મ્યુનિ. સમક્ષ રજૂઆત કરવા મેં ખાતરી આપી છતાં ટોળું સૂત્રોચ્ચાર કરતું હતું. મને કોઇએ ધક્કો પણ માર્યો હતો. જોકે તેમને મહિલાને લાફા મારવા અંગે પૂછતાં ફોન કટ કરી દીધો હતો.