ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ભેટ! સચિવાલયના 64 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી
દિવાળીના તહેવાર પહેલાં ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયમાં ફરજ બજાવતા 64 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ 64 નાયબ સેક્શન અધિકારીઓ (DySO)ને સેક્શન અધિકારી (SO) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ અને સચિવાલયમાં ફરજ બજાવતા આ અધિકારીઓને બઢતી મળતાં કર્મચારી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીના પર્વ પહેલાં મળેલી આ બઢતીને કર્મચારીઓ માટે સરકારની ખાસ ભેટ તરીકે જોવામાં આવી રહી છે.
બઢતી બાદ પણ હાલના વિભાગમાં જ ફરજ બજાવશે અધિકારીઓ
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, નિયમો અને નિર્ધારિત પ્રક્રિયા અનુસાર અધિકારીઓને આ પ્રમોશન આપવામાં આવ્યું છે. જોકે, બઢતી સાથે તેમની બદલી કરવામાં આવી નથી.
બઢતી મેળવનારા તમામ 64 સેક્શન અધિકારીઓએ તેઓ હાલમાં જે વિભાગ અથવા સ્થળે ફરજ બજાવી રહ્યા છે, ત્યાં જ પોતાની કામગીરી ચાલુ રાખવાની રહેશે. એટલે કે, પ્રમોશન મળ્યા બાદ પણ તેમને નવી જગ્યાએ હાજર થવાની જરૂર રહેશે નહીં.
સરકારના આ નિર્ણયથી એક તરફ કર્મચારીઓને બઢતીનો લાભ મળશે, તો બીજી તરફ વહીવટી કામગીરીની સાતત્યતા પણ જળવાઈ રહેશે. દિવાળી પહેલાં લેવાયેલા આ નિર્ણયથી સચિવાલયના કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

