ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (12:15 IST)

કેવી રીતે ભણશે ગુજરાત? ૨૬૦ સ્કૂલો ભાડાના મકાનમાં, ૧૪ સ્કૂલો મકાન વગર જ ખુલ્લામાં ચાલે છે

કેગના રીપોર્ટમાં ગુજરાતના પ્રાથમિક શિક્ષણ અને ખાસ કરીને આરટીઈ એક્ટ વિશે થયેલા સૂચનો અને તારણો મુજબ રાજ્યની સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે અને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પણ પુરતી નથી. જ્યારે આરટીઈમાં ૧૫ ટકા સુધીનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યો નથી. કેગમાં જે જિલ્લાઓમાં ઓડિટ કરવામા આવ્યુ  હતુ તેમાં મળેલી જાણકારી મુજબ સ્થાનિક સત્તાધીશોએ કૌટુંબિક સર્વેક્ષ હાથ ન ધરતા ૬થી૧૪ વર્ષના બાળકોનો રેકોર્ડ જ પુરતો સરકાર પાસે નથી.જેથી આરટીઈમાં પુરતો લક્ષ્યાંક સિદ્ધ થયો નથી. આરટીઈ કાયદાના અમલમાં જિલ્લા સત્તાદીશોનો અપુરતા પ્રયત્નો જોવા મળ્યા છે. જ્યારે  સ્થળ મુલાકાત દરમિયાન જણાયુ કે ૧૯૮ સ્કુલોમાંથી ૯૮ સ્કૂલોમાં રજિસ્ટર જાળવવામા જ નથી આવતા.
આ ઉપરાંત બાયસેગ સાથેના સમનવયથી શાળાઓને અંકિત કરવાના કામ અંતર્ગત ૨૦૧ શાળાઓની જરૃરીયાત હતી તેની સામે માર્ચ ૨૦૧૭ સુધીમાં માત્ર ૨૫ સ્કૂલો જ બની શકી છે. જ્યારે રાજ્યમાં ૨૬૦ સરકારી સ્કૂલો ભાડાના મકાનમા ચાલે છે એન ૧૪ સરકારી સ્કૂલોનું પોતાનું મકાન જ ન હોવાથી બાળકોને ઝાડ નીચે અથવા મેદાનમાં ભણાવાય છે.વધુમાં વિવિધ જીલ્લામાં સીઆરસી અને બીઆરસી દ્વારા શાળાઓનું યોગ્ય રીતે નિરીક્ષણ પણ કરાતુ નથી. ઘણા કિસ્સામાં તો એવુ પણ જોવા મળ્યુ કે ગ્રામ્ય સ્તરે વર્ગખંડોના બાંધકામ અને અન્ય સુવિધાઓ માટે મુખ્ય આચાર્યો દ્વારા ભંડોળ અટકાવી રાખવામા આવ્યુ છે.
વિદ્યાર્થીઓને  અપાતી સહાયમાં  ૬ જીલ્લામાં ૧૫-૧૬ અને ૧૬-૧૭ના વર્ષ માટે ૪૨૬૦ વિદ્યાર્થીઓને ૧.૨૮ કરોડની સહાયની ચુકવણી જ કરવામા નથી આવી અને જેથી વિદ્યાર્થીઓ લાભોથી વંચિત રહે છે.રાજ્યમાં ૪૩૬૭૮ સાંભળવાની ખામીવાળા બાળકોમાંથી ૨૦૧૨થી ૨૦૧૭માં માત્ર ૬૩ ટકા  બાળકોને જ સાંભળવાના યંત્ર આપવામા આવ્યા. રાજ્યની ૪૪૫૪૫ સ્કૂલોમાંથી ફકત ૧૬૯૩૯ સ્કૂલોમાં એટલે કે ૩૮ ટકા સ્કલોમાં જ અપંગ સહાયકર્તા શૌચાલય પુરા પાડવામા આવ્યા છે.
સરકાર દ્વારા યોગ્ય રીતે ગ્રામ્ય વિસ્તારો અને વસાહતોમાં સર્વેક્ષણ ન કરવામા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ  ગણી વધવા છતાં બાળકોને સ્કૂલે લાવવાની પરિવહન સુવિધાઓ પુરી પાડવામા આવી નથી. તપાસેલ જીલ્લાઓના ૪૮૧૩ બાળકોને પરિવહન સુવિધાઓથી વંચિત રાખવામા આવ્યા હતા.જે આરટીઈ એક્ટની જોગવાઈઓ વિરૃદ્ધ છે.
આરટીઈમાં ફાળવાયેલ લક્ષ્યાંક પ્રવેશ માટે ઉપલબ્ધ બેઠકો કરતા ઘણો ઓછો હોવાનું જણાયુ હતું.ગુજરાત સરકારે આરટીઈ એક્ટનો અમલ કર્યાને સાત વર્ષ થવા છતાં મોટા ભાગની સરકારી શાળાઓને જરૃરી પાયાની માળખાગત સુવિધાો પુરી પાડી શકી નથી.આરટીઈ એક્ટના અમલીકરણ માટે છુટ્ટા કરાયેલ ભંડોળના ઓછા વપરાશને કારણે ૩૬૩૫ કરોડ રૃપિયાનો ભારત સરકાર અને ગુજરાત સરકારનો હિસ્સો ઓછો છુટો કરાયો હતો.આમ આરટીઈ એક્ટના અમલમાં પુરતી ગ્રાન્ટ ન વપરાતા સરકારને કરોડો રૃપિયાનું નુકશાન થયુ અને વિદ્યાર્થીઓ લાભોથી વંચિત રહ્યા.