1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Harsh Sanghavi One Year As DCM

બિહાર ચૂંટણી વચ્ચે મળ્યુ મોટુ પ્રમોશન, ગુજરાતમાં ચમક્યા હર્ષ સંઘવી, DCM ના રૂપમાં કેવુ રહ્યુ એક વર્ષ

Harsh Sanghavi One Year
Harsh Sanghavi One Year
Harsh Sanghavi One Year As DCM : બિહાર ચૂંટણીઓ વચ્ચે ભાજપે ગુજરાતના રાજકારણમાં મોટો ફેરબદલ કરીને યુવા નેતા હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી પદે પ્રમોશન આપ્યું હતું. આ સાથે જ વિજય રૂપાણી અને નીતિન પટેલના શાસન બાદ ગુજરાતમાં ડેપ્યુટી સીએમ પદનું પુનરાગમન થયું હતું. ૪૦ વર્ષીય હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ તરીકે પોતાનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણી ભૂપેન્દ્ર પટેલ તથા હર્ષ સંઘવીની જોડીના નેતૃત્વમાં લડાશે.
 

હીરા ઉદ્યોગપતિ પરિવારથી લઈને રાજ્યના સૌથી શક્તિશાળી નેતા સુધીની સફર

સુરતના હીરા ઉદ્યોગપતિ પરિવારમાંથી આવતા હર્ષ સંઘવી ખૂબ નાની વયે ભાજપ યુવા મોરચામાં જોડાયા હતા. 27 વર્ષની ઉંમરે સુરતની મજુરા બેઠક પરથી જીતીને તેઓ રાજ્યના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. 36  વર્ષની વયે ગૃહ રાજ્યમંત્રી અને 40 વર્ષની વયે ડેપ્યુટી સીએમ બનીને તેઓ મુખ્યમંત્રી બાદ સરકારમાં સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે, જેમના હસ્તક ગૃહ, રમતગમત, ઉદ્યોગ, પરિવહન અને પ્રવાસન જેવા મહત્વના 17 વિભાગો છે.
 

રાજકીય પરિપક્વતા અને વિપક્ષના નિશાના પર

હર્ષ સંઘવીના પ્રમોશનની ચર્ચા દેશભરમાં થઈ હતી. છેલ્લા એક વર્ષમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના નેતાઓ સાથે મળીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. રાજકીય રીતે વધુ પરિપક્વ થયેલા હર્ષ સંઘવી વિપક્ષના મુખ્ય નિશાના પર રહ્યા છે. વિપક્ષ કાયદો-વ્યવસ્થા, આબકારી અને દારૂબંધી જેવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને મુખ્યમંત્રી કરતાં પણ વધુ નાયબ મુખ્યમંત્રી પર પ્રહારો કરતો જોવા મળે છે.

ગૃહ વિભાગમાં કામગીરી અને રમતગમત ક્ષેત્રે નવી ગતિ

ગૃહ વિભાગનો પદભાર સંભાળ્યા બાદ પોલીસ દળમાં નોંધપાત્ર વધારો થયો છે, જોકે અધિકારીઓની બદલી અને મહત્વની જગ્યાઓ પર કાયમી નિમણૂકોને લઈને હજુ પડકારો યથાવત છે. બીજી તરફ, રમતગમત ક્ષેત્રે તેમણે અભૂતપૂર્વ ઉત્સાહ ઊભો કર્યો છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રગતિ અને ગ્લાસગો ખાતે ભારતીય ટુકડીનું નેતૃત્વ કરીને તેમણે રમતગમત ક્ષેત્રે દેશભરમાં પ્રશંસા મેળવી છે.
 

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક ભરતીઓ અને અગ્નિવીરો માટે રાહત

હર્ષ સંઘવીના કાર્યકાળ દરમિયાન ગુજરાત પોલીસમાં મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં ૧૨,૭૩૩થી વધુ જગ્યાઓ માટે પોલીસ કોન્સ્ટેબલ-એસઆઈ ભરતી, ૩,૦૦૦ જગ્યાઓ માટે એલઆરડી ભરતી અને પૂર્વ સૈનિકો માટે ૩૪૨ પદોની ભરતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે ભૂતપૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ આપીને વર્ગ-૩ની સીધી ભરતીમાં ૨૦% અનામત આપવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે.
 

પરિવહન નેટવર્કનો વિસ્તાર અને પ્રવાસન ક્ષેત્રના પડકારો

પરિવહન મંત્રી તરીકે તેમણે જીએસઆરટીસી (GSRTC)ના કાફલામાં આધુનિક અને લક્ઝરી બસો ઉમેરીને એસટી બસ સેવાને મજબૂત બનાવી છે અને નવા બસ સ્ટેશનોનું નિર્માણ કરાવ્યું છે. જોકે, વર્ષ 2026 ને 'ગુજરાત પ્રવાસન વર્ષ' જાહેર કરાયા છતાં વડનગર અને અંબાજી જેવા સ્થળો સિવાય દરિયાકાંઠાના સાહસિક પ્રવાસનને વેગ આપવામાં હજુ વધુ પ્રયાસોની જરૂરિયાત જણાઈ રહી છે.
 

હોમ ટાઉન સુરતમાં ઈંચાર્જ સીપીનો મુદ્દો ચર્ચામાં

હર્ષ સંઘવીનું હોમ ટાઉન સુરત હોવા છતાં, ત્યાં વહીવટી સ્તરે ઘણા ફેરફારો જોવા મળ્યા છે. સુરતમાં આયાન ઓકનું સસ્પેન્શન, સૌરભ પારધી અને એમ. નાગરાજનની બદલીઓ બાદ છેલ્લા ચાર મહિનાથી સુરત શહેર પૂર્ણ-સમયના પોલીસ કમિશનર વિના ચાલી રહ્યું છે. હાલમાં આઈપીએસ વાબાંગ જમીર ઈંચાર્જ સીપી તરીકે ચાર્જ સંભાળી રહ્યા છે, જે બાબત રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ભારે ચર્ચામાં છે.

ગ્રાઉન્ડ ઝીરો પર સક્રિયતા અને યુવા મોડેલ તરીકે ઉભરતા નેતા

હર્ષ સંઘવીએ સુરતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સમયે જાતે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને રાહત કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે યુવાનોને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવા માટે મોટું અભિયાન ચલાવ્યું છે. NEET પેપર લીક વિરોધ સમયે વડોદરામાં યોજાયેલ "નમો ૪ વિકસિત ભારત" કાર્યક્રમનું સફળ આયોજન કરીને તેમણે દેશના સૌથી યુવા ડેપ્યુટી સીએમ તરીકે પોતાની મજબૂત છબી પ્રસ્થાપિત કરી છે.
 
આગળનો લેખ
IPO ખુલતા પહેલા જીયો પર ₹2.5 લાખ કરોડનો દાવ, ઈશ્યુ સાઈઝથી 8 ગણી વધુ ડિમાંડ