કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા, 50 હજારનો દંડ
આરોપીને અગાઉ દુષ્કર્મના અન્ય બે કેસમાં જીવે ત્યાં સુધીની સજા કોર્ટ ફટકારી ચુકી છે
આરોપીએ દસ દિવસના ટૂંકાગાળામાં ત્રણ જેટલા બળાત્કાર કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી
ગાંધીનગર જિલ્લાના કલોલ પંથકમાં ચકચાર મચાવનાર દુષ્કર્મ કેસમાં સિરિયલ રેપિસ્ટને ફાંસી આપવાનો કોર્ટે હુકમ કર્યો છે. સાંતેજ ગામની સીમમાંથી બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં કલોલ કોર્ટના એડીશનલ જજ એ.એ.નાણાવટીએ પોક્સો કાયદાની કલમ 5 અને 6 મુજબ આરોપીને મૃત્યુદંડ અને પચાસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે. આરોપી વિજય પોપટજી ઠાકોરને અગાઉ દુષ્કર્મના અન્ય બે કેસમાં જીવે ત્યાં સુધીની સજા કોર્ટ ફટકારી ચુકી છે.
પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી
ઘટનાની વિગત અનુસાર આરોપી વિજય પોપટજી ઠાકોરે સાંતેજ ગામની સીમમાં લાકડાં વીણી રહેલ એક બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને પોતાના મોટરસાયકલ પર બેસાડી રાંચરડા-ખાત્રજ રોડ પર આવેલ નાસ્મેદ કેનાલની પાસેના ખેતરની અવાવરુ ઓરડીમાં લઈ જઈને દુષ્કર્મ ગુજારી ગુપ્ત ભાગે ઈજા પહોંચાડી નાસી છૂટ્યો હતો.આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાયા બાદ કલોલ કોર્ટમાં એડીશનલ જજ એ.એ.નાણાવટી સમક્ષ કેસ ચાલી ગયો હતો.
પચાસ હજાર રૂપિયા ભરવાનો હુકમ કર્યો
ફરિયાદી પક્ષના સરકારી વકીલ સુનીલ પંડ્યાએ દલીલ કરતા હતું કે આરોપી નાની બાળકીઓ સાથે આ પ્રકારના ગુનાઓ કરવા ટેવાયેલો છે. તેણે દસ દિવસના ટૂંકા ગાળામાં ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી તેને ફાંસીની સજા ફટકારવામાં આવે. જેને પગલે કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો કાયદાની કલમ હેઠળ આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવાનો તેમજ પચાસ હજાર રૂપિયા ભરવાનો હુકમ કર્યો હતો. કલોલ કોર્ટના અતિહાસિક ચુકાદાને લઈને ગંભીર ગુનાઓમાં સંકળાયેલા આરોપીમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ અગાઉ બે બાળકીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો
આરોપીએ દસ દિવસના ટૂંકાગાળામાં ત્રણ જેટલા બળાત્કાર કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જેને પગલે પોલીસે સિરિયલ રેપિસ્ટને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.આરોપીને કોર્ટ અગાઉના બે ચુકાદામાં 20 વર્ષની કેદની સજા ફટકારી ચુકી છે. આરોપીએ ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની લાશ નાળામાં ફેંકી દીધી હતી. આ ઉપરાંત અન્ય એક કેસમાં સગીર બાળકી પર બળાત્કાર કરીને મોબાઈલ ફોનની લુંટ ચલાવી હતી. આ બંને કેસ કોર્ટમાં ચાલી જતા તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
પીડિતાને દસ લાખ રૂપિયા વળતર ચુકવવા હુકમ
કોર્ટે દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાને દસ લાખ રૂપિયાનું વળતર ચુકવવા માટે હુકમ કર્યો છે. જેમાંથી ચાર લાખ રૂપિયાની રકમ અગાઉ ચૂકવી દેવામાં આવી છે. કેસની ગંભીરતા અને બાળકીની શારીરિક સ્થિતિ જોતા વધુ 6 લાખ રૂપિયાનો આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.આમ ભોગ બનનારને કુલ દસ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવશે. કલોલ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવતા રડી પડ્યો હતો. ફૂલ જેવી નાની બાળકીઓ પર દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરનારા આરોપી પર ચોમેરથી ફિટકાર વરસ્યો હતો. કલોલ કોર્ટમાં પ્રથમ વખત ફાંસીની સજા થતા કોર્ટ પરિસરમાં પણ ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
525 દિવસ પછી પીડિતાને ન્યાય મળ્યો
કલોલના સાંતેજમાં 4 નવેમ્બર,2021ના રોજ આરોપીએ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાના ઘેરા પડઘા સમગ્ર ગાંધીનગર જીલ્લામાં પડ્યા હતા. આરોપીએ અગાઉ અન્ય બે બાળકીઓ સાથે પણ દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ પીડિતાને 525 દિવસ પછી ન્યાય મળ્યો છે. દુષ્કર્મ પીડિતા ગંભીર રૂપથી ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી બાળકીની સારવારનો ખર્ચ ગાંધીનગર પોલીસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ગાંધીનગર જીલ્લાના તત્કાલીન પોલીસ વડા તેમજ રેન્જ આઈજી અને અન્ય પોલીસ કર્મચારીઓ માનવતા દાખવી સારવારનો ખર્ચ ઉપાડી લેવામાં આવ્યો હતો.