મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (12:15 IST)

કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જીત પડકારાઈ, હાઈકોર્ટે નોટીસ ફટકારી

રુપાણી સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભા ચૂંટણીમાં થયેલી જીતને પડકારતી અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જેમના નામ પિટિશનમાં અપાયા છે તેમની સામે નોટિસ કાઢી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ડિસેમ્બર 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી માત્ર 327 મતોથી જીત્યા હતા. તેમની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા આ પિટિશન કરવામાં આવી છે, જેમાં મત ગણતરીમાં કેટલીક અનિયમિતતા આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અશ્વિન રાઠોડે દાવો કર્યો છે કે, મત ગણતરીમાં કરાયેલી અનિયમિતતાને કારણે જ ભૂપેન્દ્રસિંહ જીત્યા છે.પોતાની અરજીમાં રાઠોડે કહ્યું છે કે, પોસ્ટલ બેલેટ પેપર દ્વારા કરવામાં આવેલા 429 મતોને રિટર્નિંગ ઓફિસરે ગેરકાયદે રીતે ફગાવી દીધા હતા. એટલું જ નહીં, ઈવીએમમાં 29 મતો હતા, છતાંય તેને અધિકારીઓ દ્વારા ગણતરીમાં લેવાયા નહોતા. તેમણે એમ પણ કહ્યું છે કે, ધોળકા બેઠક પર 1,59,946 મત પડ્યા હતા જ્યારે, મત ગણતરીમાં 1,59,917 મત જ ગણતરીમાં લેવામાં આવ્યા છે, અને તેના પર જ પરિણામ જાહેર કરાયું હતું.ચુડાસમા પર ગેરરીતિ આચરીને ચૂંટણી જીતવાનો આરોપ મૂકતા રાઠોડે માંગ કરી છે કે, દરેક રેકોર્ડ કોર્ટ સામે રજૂ થવા જોઈએ અને કોર્ટે ફેર મત ગણતરીનો આદેશ આપવો જોઈએ. આ પિટિશન પર સુનાવણી હાથ ધરતા જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે નોટિસ ઈશ્યૂ કરી છે જે 8 માર્ચે રિટર્નેબલ છે. પિટિશનરે દાવો કર્યો છે કે, ચૂંટણી અધિકારી દ્વારા રિજેક્ટ કરાયેલા પોસ્ટલ બેલેટ પેપર્સ તેમને બતાવાયા પણ નથી, ઈવીએમમાં નોંધાયેલા તમામ મતો ગણતરીમાં લેવાયા હોવા છતાં તેમાં અને વોટિંગના દિવસે બૂથ નંબર 60,70, 175, 177 અને 230માં પડેલા વોટોની સંખ્યામાં ફરક છે. અશ્વિન રાઠોડે એવો પણ દાવો કર્યો છે કે, મત ગણતરીના દિવસે પોલ્ટલ બેલેટથી પહેલા ઈવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી કરવામાં આવી હતી, જે નિયમની વિરુદ્ધ છે. મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણીમાં ચુડાસમા સૌથી ઓછા માર્જિનથી જીતેલા કેબિનેટ મંત્રી છે. આ વખતે હાઈકોર્ટમાં નજીવા માર્જિનથી હારેલા ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓએ હાઈકોર્ટમાં અરજીઓ કરી પરિણામને પડકાર્યા છે.