રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (13:32 IST)

દલિત સામાજિક કાર્યકરના અગ્નિસ્નાન મુદ્દે સીએમ રૂપાણી રાજીનામું આપે: મેવાણી

પાટણ કલેકટર કચેરી ખાતે દલિત અગ્રણી ભાનુભાઇ વણકરે તેમના પરિવારને સરકારના નિયમ મુજબ ફાળવાયેલી જમીનનો કબજો નહીં સોંપાતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તેમાં સંપૂર્ણ રીતે સરકારની જવાબદારી હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામુ આપવું જોઇએ તેવી માગણી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ કરી છે. તે સાથે અગાઉથી આત્મવિલોપન કરવામાં આવશે તેવી પાટણના વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતા આ બનાવ બન્યો તે બદલ પાટણ જિલ્લા પોલીસ વડા અને પાટણના કલેકટરને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવા પણ માગણી કરી છે. છેલ્લા ૩ વર્ષથી ગાંધીનગરના મહેસૂલ વિભાગમાં જમીન મંજૂરીની ફાઇલ પડી રહી છે પણ મંજૂરી અપાતી ન હતી.  મેવાણીએ પાટણની ઘટના બદલ સરકારી તંત્રની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, દલિતોને નિયમ મુજબ ફાળવાયેલી જમીનનો વાસ્તવિક કબજો સોંપવા છેલ્લા બે વર્ષથી અમારી રજૂઆતો અને આંદોલન છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રની બેદરકારીના કારણે ભાનુભાઈ વણકરે જમીનના એક ટુકડા માટે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. એક ગરીબ માણસ આ વ્યવસ્થામાં કઇ હદે ગૂંગળામણ અનુભવતો હોય છે તેનો આ વરવો દાખલો છે. ભાનુભાઇ એ આ પગલું ભરવું પડયું તે માટે રુપાણી સરકાર જવાબદાર છે.  મેવાણીએ વધુમાં જણાવ્યું છે કે,ગુજરાતના દલિતો આ મુદ્દે રોડ ઉપર ઉતરી આવી વિરોધ કરે અને ઉનાકાંડની જેમ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આપે તે જરૂરી છે. પાટણ કલેકટર અને જિલ્લા પોલીસ વડાને અગાઉ જાણ હોવા છતાં ભાનુભાઈને આત્મવિલોપન કરતા રોકી શક્યા નહીં તે બદલ તેમને સસ્પેન્ડ કરી દેવા જોઇએ.