મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 21 માર્ચ 2018 (13:30 IST)

પ્રેમી સાથે એક કરોડ રૂપિયા લઈને ભાગેલી પ્રેમિકાને પોલિસે એરપોર્ટ પરથી ઝડપી લીધી

કોલેજકાળમાં જ એક યુવકના પ્રેમમાં પડેલી વાપીની પરિણિત યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી જાય તે પહેલા જ પોલીસે તેને મુંબઈ એરપોર્ટ પરથી પ્રેમી સાથે ઝડપી લીધી હતી. આ યુવતીને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે, જ્યારે તેના પ્રેમીની પોલીસે અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યુવતી પોતાના પતિના ઘરેથી 1 કરોડ લઈને પ્રેમી સાથે ભાગી હતી.મૂળ વાપીની અને મુંબઈમાં કોલેજ કરતી યુવતીને કોલેજમાં તેની સાથે જ ભણતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે, તેના પરિવારજનોને આ વાતની જાણ થતા તેઓ તેને મુંબઈથી વાપી લઈ આવ્યા હતા.

તેના લગ્ન પણ વલસાડના એક યુવક સાથે કરી દેવાયા હતા. યુવતીના પતિને તેના પ્રેમસંબંધ અંગે જાણ થતાં બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા.રોજેરોજ થતાં ઝઘડાથી કંટાળી યુવતીએ ફરી પોતાના જુના પ્રેમીનો સંપર્ક કર્યો હતો, અને બંનેએ નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. બંને મુંબઈ એરપોર્ટથી ફ્લાઈટ પકડી કોલકાતા નાસી જવાના હતા. જોકે, ભાગવામાં સફળ થાય તે પહેલા જ મહારાષ્ટ્ર પોલીસના સહકારથી ગુજરાત પોલીસે બંનેને એરપોર્ટ પરથી પકડી લીધાં હતાં.આ યુવતી રવિવારે સવારે પતિના ઘરમાં રાખેલા 1 કરોડ રુપિયા લઈને માસીના ઘરે જવાનું કહી નીકળી ગઈ હતી. જોકે, પતિએ માસીને ફોન કરતા તેમણે આ યુવતી ન આવી હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન તેના પતિને ધ્યાને આવ્યું હતું કે, ઘરમાં રાખેલા 1 કરોડ રુપિયા પણ ગાયબ છે. આખરે તેણે પોતાના સાસરિયાઓને આ અંગે જાણ કરી હતી.સાસુએ આ અંગે વાપી પોલીસ સમક્ષ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, અને તેઓ મુબઈ જવા નીકળી ગયા હતા. વાપી પોલીસને પણ મુંબઈથી બાતમી મળતા પોલીસ રવિવારે રાત્રે મુંબઈ પહોંચી હતી, જ્યાં યુવતી અને તેના પ્રેમીને પકડી લેવામાં આવ્યા હતા, અને બંનેને વાપી લવાયા હતા. પોલીસે તેના પ્રેમી પાસેથી 91 લાખ રોકડા કબજે પણ લીધા છે. યુવતીનું નિવેદન લઈ પોલીસે તેને મા-બાપના ઘરે જવા દેવાઈ હતી, જ્યારે તેના પ્રેમીની અટકાયત કરી પોલીસે તેની પૂછપરછ કરી હતી. પોલીસને જણાવા મળ્યું હતું કે 1 કરોડ રુપિયામાંથી 9 લાખ રુપિયા તેમણે ડોલર અને એર ટિકિટ્સ ખરીદવામાં વાપરી નાખ્યા હતા.