જાણો ગુજરાતના કચ્છમાં શા માટે ઉચ્ચારાઈ જન આંદોલનની ચીમકી
જીએમડીસી દ્વારા કચ્છમાં આવેલી રાપરના માતાના મઢ ખાણના લિગ્નાઈટના જથ્થાને જિલ્લા બહાર મોકલવા લદાયેલા પ્રતિબંધને પગલે કચ્છનો ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગશે અને હજારો પરિવારો બેરોજગાર બનશે એવી ચિંતા સાથે પશ્ર્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમની સાથે કચ્છ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, વી. કે. હુંબલ અને અન્ય કૉંગ્રેસી આગેવાનો સાથે રહ્યા હતા.
તમામ રજૂઆત કર્તાઓએ જીએમડીસીના નિર્ણયને રદ કરીને ઝડપભેર માતાના મઢ લિગ્નાઈટની ખાણ ફરી શરૂ કરવાની માગ જિલ્લાના મહિલા કલેકટર રેમ્યા મોહન સમક્ષ કરવામાં આવી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માતાના મઢ ખાણમાં દરરોજની 700 થી 800 ટ્રકો ભરાતી હતી કચ્છમાં 10 હજાર ટ્રકો લિગ્નાઈટના વ્યવસાય સાથે સંકળાયેલી છે, તેમનાં પૈડાં હવે થંભી જશે તેને સંલગ્ન ક્લિનરનો વ્યવસાય, રીપેરીંગ, પંક્ચર, ઓટોમોબાઇલ્સ, ડીઝલ પમ્પ, હાઈ વે હૉટલો, લિગ્નાઇટ વેચનારાઓ, ડીઓ લેટર સાથે સંકળાયેલાઓ હજારો પરિવારો બેકાર થઈ જવાનો ભય ઊભો થયો છે. ધારાસભ્ય પ્રદ્યુમસિંહ જાડેજાએ જીએમડીસીના અધિકારીઓના નિષ્ફળ વહીવટને આ માટે જવાબદાર ગણાવી ભૂતકાળમાં ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલે કચ્છની લિગ્નાઇટ ખાણો શરૂ કરવાના વચનની યાદ અપાવી હતી. પાનધ્રો, ઉમરસર અને માતાના મઢની ખાણોમાં લિગ્નાઇટનો પૂરતો જથ્થો હોવા છતાંયે ઉદ્યોગના ઈશારે જથ્થો રિઝર્વ રાખવાના બહાના હેઠળ કચ્છની ખાણો બંધ કરી કચ્છના લોકો સાથે અન્યાય કરાઈ રહ્યો છે.