અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે પોલીસ ડ્રોનથી ધાબા પર વોચ રાખશે, નિયમો નહીં પાળો તો કાર્યવાહી કરશે, 10 હજાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે
કોરોનાના કારણે ઉત્તરાયણનો તહેવાર પરિવારના સભ્યો સાથે જ ઊજવવા અને ધાબા ઉપર ભીડ ભેગી નહીં કરવા સરકારે આદેશ કર્યો છે. જોકે ભીડ ભેગી થવાથી કોરોના ફેલાતો હોવાની સરકારની આ વાત વાજબી હોવાનું લોકોનું કહેવું છે, પરંતુ ધાબા ઉપર લાઉડ સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ લાદ્યો હોવાના સરકાર - પોલીસના નિર્ણયનો લોકોમાં ભારે રોષ છે. બીજી બાજુ અમદાવાદ પોલીસ કમિશ્નરે ઉત્તરાયણને લઇને જાહેરનામું બહાર પાડીને એકશન પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં ડ્રોનની મદદથી પોલીસ ધાબા પર નજર રાખશે. આ ઉપરાંત ઉતરાયણને લઇને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 11 DCP, 21 ACP, 63 PI, 207 PSI અને 4 SRP કંપની સહિત 10 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત રહેશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કોઇ પણ જાહેર સ્થળોએ, ખુલ્લા મેદાનોમાં રસ્તાઓ પર એકત્રિત નહીં થઇ શકાય અને પતંગ ઉડાવી શકાશે નહીં તો મહામારીને લઇને પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવણી કરવાની સૂચના અપાઇ છે.જેમાં ડ્રોનની મદદથી પોલીસ ધાબા પર નજર રાખશે. માસ્ક વિનાના કોઇપણ વ્યકિત પતંગ ઉડાવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહીં. તેમજ ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજીયાતપણે કરવાની રહેશે. સોસાયટી બહારના કોઇપણ અન્ય વ્યકિતને પ્રવેશ નહીં આપી શકાય. જાહેરનામું ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. લાઉડ સ્પીકર, ડીજે વગાડીને ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ, જાહેર જનતાની લાગી દુભાય શાંતિ ભંગ થાય તેવું લખાણ સ્લોગન ચિત્રો પતંગ પર લખી શકાશે નહીં. ચાઇનીઝ દોરી, તુક્કલ, કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકાયો છે. મ્યુઝિક સિસ્ટમ વગાડવાથી કોરોના થોડો ફેલાય છે. જ્યારે લોકોની આ દલીલ સામે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મ્યુઝિક સિસ્ટમ નહીં વગાડવા પાછળનું કારણ એ છે કે મ્યુઝિક સિસ્ટમ વાગતી હોય ત્યાં લોકો ભેગા થાય છે, ગીતો ગાય છે અને ડાન્સ પણ કરે છે, જેના કારણે ભીડ ભેગી થવાના એંધાણ હોવાથી મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આટલું જ નહીં મ્યુઝિક સિસ્ટમના કારણે વૃદ્ધ, અશક્ત, બીમાર વ્યકિતઓ ડિસ્ટર્બ થતા હોવાનું કારણ પણ પોલીસે રજૂ કર્યુ હતુ. જોકે લોકોના ગળે આ વાત ઉતરી નથી.