CM ભૂપેન્દ્ર પટેલે કેવડિયામાં 'એકતા પ્રકાશ પર્વ'નું કર્યું ઉદ્ઘાટન, PM મોદી 31 મીએ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની અધ્યક્ષતા કરશે
PM Modi Ekta Diwas
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પહેલાં ગુજરાતના કેવડિયામાં ભવ્ય 'એકતા પ્રકાશ પર્વ-2026' શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડિયા પહોંચીને સમગ્ર આયોજન અને તૈયારીઓનો તાગ મેળવ્યો હતો. આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે વારાણસી સહિત દેશભરમાંથી આવેલા પ્રવાસીઓ સાથે સીધી વાતચીત કરી હતી. આ વર્ષે ઉજવણીમાં આશરે 35,000 થી વધુ લોકો હાજર રહેવાની ધારણા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેમના આયોજિત કામચલાઉ સમયપત્રક મુજબ, તેઓ ઉત્તર ગુજરાતના ડીસા અને નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 30 ઓક્ટોબરની સવારે નવી દિલ્હીથી ડીસા પહોંચીને તેઓ બનાસ ડેરીના કાર્યક્રમમાં ભાગ લેશે તથા ભીલડી ખાતે આવેલા બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું ઉદ્ઘાટન કરશે.
30 મી ઓક્ટોબરે પીએમ મોદીનું કેવડિયા આગમન
ડીસા અને બનાસકાંઠાના વિવિધ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં ટૂંકા રોકાણ પછી સાંજે લગભગ 5:00 વાગ્યે કેવડિયા પહોંચશે. તેઓ કેવડિયા ખાતે સાંજે યોજાનારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં એકતા દિવસની સંધ્યાએથી જ ભવ્ય ઉજવણીનો પ્રારંભ થઈ જશે.
31 મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને પરેડ
31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને વાર્ષિક 'રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ'ની અધ્યક્ષતા કરશે. આ વર્ષની પરેડ અત્યંત ભવ્ય અને વિશેષ બનાવવામાં આવી રહી છે. કેવડિયા ખાતેના તમામ કાર્યક્રમો અને સભાને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી વડોદરા થઈને દિલ્હી પરત ફરશે.
4,700 કલાકારો અને સુરક્ષા દળોનું ભવ્ય પ્રદર્શન
આ વર્ષે એકતા દિવસની ઉજવણીમાં ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક વિરાસતનું અદ્ભુત મિશ્રણ જોવા મળશે. પરેડમાં પોલીસ અને અર્ધલશ્કરી દળો (CAPF) ના આશરે 10,000 થી વધુ જવાનો ભાગ લેશે. આ ઉપરાંત દેશના ખૂણે-ખૂણેથી આવેલા આશરે 4,700 જેટલા કલાકારો વિવિધ રાજ્યોના લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને 'અનેકતામાં એકતા'નો સંદેશ આપશે.
રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય આકર્ષણો
આ ઉજવણીમાં ભારતીય વાયુસેના (IAF) દ્વારા હવાઈ ફ્લાયપાસ્ટ અને દેશભક્તિના બેન્ડનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સાથે જ મહિલાઓના નેતૃત્વમાં 'ગાર્ડ ઓફ ઓનર', રાષ્ટ્રીય એકતાના શપથ, ઊંટ-ઘોડાની ટુકડીઓની પરેડ અને મોટરસાઇકલ ડેરડેવિલ સ્ટંટ રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી જનતાને સંબોધન કરશે અને 'રન ફોર યુનિટી' (એકતા માટે દોડ)નું આયોજન પણ કરવામાં આવશે.

