1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (12:51 IST)

રાજકોટમાં માસ પ્રોનિંગથી દર્દીઓની ઓક્સિજનની માત્રા વધારી, 80થી વધુ ફિઝિયોથેરપિસ્ટે દર્દીઓને સાજા કરવાનું અભિયાન છેડ્યું

કોરોનાની મહામારીથી સંક્રમિત થતા દર્દીઓને સાજા કરવા તબીબો, નર્સિંગ સ્ટાફની સાથે ફિઝિયોથેરપિસ્ટે પણ બીડું ઝડપ્યું છે. શહેરની પીડીયુ સરકારી હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સમરસ હોસ્ટેલમાં 80થી વધુ ફિઝિયો અને ફિઝિયોથેરપિસ્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સારવાર લઇ રહેલા એક હજારથી વધુ દર્દીઓની ઓક્સિજન માત્રા વધારવા બે ટાઇમ વિવિધ કસરતો કરાવી સાજા કર્યા છે.ફિઝિયો ડો.નિશાંતે જણાવ્યું હતું કે હાલ કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓને ફેફસાંમાં વધુ અસર થતી હોવાનું તબીબોના પરીક્ષણમાં જાણવા મળ્યા બાદ અમે સંક્રમિત દર્દીઓનાં ફેફસાંની રચનાના વ્યાપવાળા ભાગને ગુરુત્વાકર્ષણના બળની કસરતના માધ્યમથી એને ખુલ્લાં કરાવીએ છીએ, જેનાથી દર્દીઓને ઓક્સિજનનું પ્રમાણ પણ મળી રહે છે.

દર્દીઓને કુદરતી ઓક્સિજન મળે એ માટે ઊંડા શ્વાસ લેવા, છોડવાની કસરત કરાવવામાં આવતા દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે. જ્યારે માસ પ્રોનિંગ કસરતમાં દર્દીઓને 30થી 40 મિનિટ ઊલટા સુવડાવીએ, બાદમાં દર્દીઓને પડખું ફરીને સાઇકલ ચલાવતા હોય એ સ્થિતિમાં સુવડાવીએ છીએ, જે કસરત સંક્રમિત દર્દીઓમાં અસરકારક સાબિત થઇ છે. દર્દીઓએ તેમની પરિસ્થિતિ મુજબ વિવિધ કસરતો ફિઝિયોના માર્ગદર્શન હેઠળ કરવાથી સ્વાસ્થ્ય સારું છે. કોરોના સામે જંગ જીતવા માટે લોકોએ આરામની સાથે વધુ માત્રામાં પાણી, જ્યૂસ જેવું પ્રવાહી પીવું જરૂરી છે. કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓમાં લોહી જાડું થઇ જતું હોવાથી લોહીના ગઠ્ઠા થઇ જાય છે, જેને કારણે હૃદયરોગ જેવી ઘાતક બીમારી થઇ શકે છે. ત્યારે આના નિવારણ માટે સંક્રમિત દર્દીઓને દવાઓ સાથે એન્ટી-પમ્પ એક્સર્સાઇઝ કરાવવામાં આવે છે, જે કસરત અનેક દર્દીઓમાં અસરકારક સાબિત થઇ છે.