સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (18:57 IST)

મેળાનુ ઉદ્દઘાટન કરાવવા રાષ્ટ્રપતિ કોવિંદ એકવાર ફરી આવશે ગુજરાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ફરી સૌરાષ્ટ્રમાં આગમન થશે. ચૈત્ર સુદ નોમથી તેરસ દરમિયાન માધવપુરમાં યોજાતા મેળાનો 10મી એપ્રિલથી પ્રારંભ થશે. પાંચ દિવસીય મેળાનો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત પૂર્વોતર રાજ્યના મુખ્યમંત્રીઓ અલગ અલગ દિવસે હાજરી આપશે. 10 એપ્રિલના દ્વારકાધીશ મંદિરે રાષ્ટ્રપતિ  શિશ ઝુકાવશે  તેમજ 13 એપ્રિલના રૂક્ષ્મણી વિવાહમાં અને માધવપુરના મેળામાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈ  દ્વારકા અને માધવપુરમાં તંત્ર ખાસ તૈયારી કરવામાં જોતરાઈ ગયું છે.
 
આ લોકમેળોચૈત્ર સુદ નોમથી તેરસ સુધી યોજાશે. ભગવાન શ્રીરામના પ્રાગટ્યદિન રામનવમીના પવિત્ર દિવસે મંડપારોપણ થાય છે. ભગવાન શ્રી માધવરાયજી, ત્રિકમરાયજીના મંદિરથી પહેલા ફુલેકાનો પ્રારંભ રાત્રિના નવ કલાકે થાય છે. ચૈત્ર સુદ દસમ તથા અગિયારસના દિવસે બીજું અને ત્રીજું ફૂલેકું નીકળે છે. ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સવ તરીકે ઉજવાય છે. જેમાં માધવપુર ઘેડની નજીકના કડછી ગામના કડછા મહેરધર્મના ઝંડા સાથે શણગારેલા ઉંટ અને ઘોડા પર સવાર થઇને રૂકમણીનું મામેરું લઇ આવે છે ત્યારે જ ભરમેળો ગણાય.
 
મધુવનમાં આવેલ મહાપ્રભુજીની બેઠકના સાન્નિધ્યમાં રૂકમણીના માવતર પક્ષની જગ્યા રૂકમણીના માવતર પક્ષની જગ્યા રૂકમણી મઠથી બપોરે 12 કલાકે ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયુ કરવામાં આવે છે. ત્યારબાદ સાંજના ચાર કલાકે નીજ મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણનું જાન પ્રયાણ થાય છે. શ્રીકૃષ્ણ વરરાજા બને છે. રૂપેણવનમાં જાનનું આગમન થાય છે. વેવાઇઓ દ્વારા જાનનું સ્વાગત થાય છે. હિન્દુ સમાજમાં થતી લગ્નવિધિ મુજબ કન્યાદાન દેવાય છે. મંગળ ફેરા ફરે છે. શાસ્ત્રોકત વિધિ અને વેદોચ્ચાર મંત્રો સાથે શ્રીકૃષ્ણ-રૂકમણી સાથે અગ્નિની સાક્ષીએ લગ્નગ્રંથીથી જોડાય છે. લગ્નની ખુશાલીમાં કંસારનો પ્રસાદ વહેંચાય છે.લગ્નવિધિ પૂર્ણ થયા બાદ જાન આખી રાત રૂપેણવનમાં રોકાય છે. ચૈત્ર સુદ તેરસના દિવસે સવારે કરૂણ વિદાય પ્રસંગ આવે છે. શ્રીકૃષ્ણ વાજતે ગાજતે પરણીને બપોરે ત્રણ કલાકે નિજમંદિરમાં પધારે છે તે સાથે માધવપુરના મેળાની પૂર્ણાહુતિ થાય છે.
 
હજારો વર્ષ પૂર્વ માધવપુરમાં ભગવાન માધવરાય અને રાણી રુકમણીના લગ્ન થયા હતા. દર વર્ષે અહીં વિવાહ મહોત્સવ અંતર્ગત મેળાનું આયોજન કરવામાં આવે છે. પાંચ દિવસીય મેળામાં દરરોજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે. જેમાં ગુજરાત ઉપરાંત પૂર્વોતર રાજ્યના કલાકારો પોતાની કલા રજૂ કરશે.