ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 5 એપ્રિલ 2022 (16:28 IST)

અહેમદ પટેલના પુત્ર ફૈઝલની ટ્વિટ, હાઈકમાન્ડ તરફથી કોઈ પ્રોત્સાહન કે પ્રતિસાદ મળતો નથી, મારા માટે બધા ઓપ્શન ખુલ્લા

થોડા સમય પહેલાં જ ફૈઝલે પાર્ટીમાં નહીં જોડાવાની વાત કરી હતી

faisel patel
કોંગ્રેસના ચાણક્ય અને દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી છે. એક સમયે એહમદ પટેલના નિધન બાદ ફૈઝલ પટેલે સક્રિય રાજકારણમાં નહીં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે તેમણે કરેલી ટ્વિટથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કહ્યું કે મારી પાસે વિકલ્પો ખુલ્લા છે. હું રાહ જોઈને થાકી ગયો છું. પાર્ટી હાઈકમાન્ડ તરફથી કોઈ પ્રોત્સાહન નથી મળતું.
 
સક્રિય રાજકારણમાં પ્રવેશ કરવા માટે તૈયાર નથી
અગાઉ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે તેઓ હજુ સુધી સક્રિય રાજકારણમાં પ્રવેશ કરવા માટે તૈયાર નથી. એક ટ્વિટમાં ફૈઝલે કહ્યું હતું કે, "1 એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મુલાકાત લઈશ. મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને જો જરૂર પડશે તો અમારું મુખ્ય લક્ષ્ય પૂર્ણ કરશે.

 
રાજકારણમાં નહીં જોડાય પણ પાર્ટી માટે કામ કરશે
તેમના દ્વારા કરવામાં આવેલા છેલ્લા ટ્વિટ પછી કોંગ્રેસમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે.થોડા દિવસો પહેલા તેમણે કહ્યું હતું કે હું અત્યારે રાજકારણમાં જોડાવાનો નથી અને મને અત્યારે પાર્ટીમાં જોડાવાની કોઈ ઈચ્છા નથી. ફૈસલે કહ્યું હતું કે જો તે રાજકારણમાં જોડાશે તો ચૂંટણીના રાજકારણમાં નહીં પ્રવેશે, પરંતુ પાર્ટી માટે કામ કરશે. 
 
અહેમદ પટેલ કોંગ્રેસના ચાણક્ય હતાં
અહમદ પટેલને સોનિયા ગાંધીના 'સૌથી શક્તિશાળી' નેતાઓમા એક ગણવામાં આવતા હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ પણ હતા. અહેમદ પટેલનું 2020માં નિધન થયું હતું. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સચિવ પણ હતા અને UPA શાસનના 10 વર્ષ દરમિયાન દેશના ટોચના ત્રણ રાજકારણીઓમાં સામેલ હતા. જો કે, તેમણે તેમના પુત્ર કે પુત્રી મુમતાઝ પટેલને રાજકારણમાં આવવામાં મદદ કરી ન હતી. તેમના બંને બાળકોએ હજુ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો નથી. કોંગ્રેસના ચાણક્ય એવા અહેમદ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન 25મી નવેમ્બરે વેદાંતા હોસ્પિટલમાં વહેલી સવારે 3:30 કલાકે નિધન થયું હતું.
 
જયરાજસિંહે ટોણો માર્યો
કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને હાલના ભાજપના નેતા જયરાજસિંહ પરમારે પણ ટ્વિટ કરીને કોંગ્રેસને ટોણો માર્યો હતો કે, પાંચ પચીસ જાય તો ભલે જાય કોઈ ફેર ના પડે ...એમાં ફૈઝલ અહેમદ પટેલનો પણ સમાવેશ ખરો?