મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (14:17 IST)

અમદાવાદની વિજયા બેંકમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરી કરનાર બેંકનો જ પ્યુન અને તેનો મિત્ર હતો.

કાલુપુરમાં આવેલી વિજય કો ઓપ બેંકમાં વર્ષના અંતિમ દિવસે 9 લાખથી વધુની ચોરી થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બેન્ક ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું કે, ચોરી કરનાર બેંકનો જ પ્યુન અને તેનો મિત્ર હતો. જેઓએ ગોવામાં કસીનોમાં થયેલી હાર, સ્પા ના બિઝનેસ અને મહિલા મિત્ર માટે કરી હતી 9 લાખથી વધુની ચોરી કરી. પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ બંને આરોપીઓને ધ્યાનથી જુઓ. આરોપીઓના નામ છે વિમલ પટેલ અને જાવીદ સંધિ. પકડાયેલા બંને આરોપીઓ બેંક માંથી ચોરી કરવાના ગુનામાં ઝડપાયા છે. ચોરીના ગુનાને અંજામ આપવા માટે નવા વર્ષની શરૂઆત થતા પહેલા જ કેવી રીતે બનાવ્યો હતો પ્લાન તે બાબતે પોલીસે પૂછપરછ કરી તો ખુદ પોલીસ ચોકી ગઈ.આરોપી વિમલ પટેલ બેંકમાં પ્યુન હતો અને જુગાર રમવાનો શોખીન હતો. ગોવામાં કસીનોમાં જુગાર રમતા દેવું પણ કરી ચૂક્યો હતો. જેને પગલે દેવું ચૂકવવા માટે બેંક ચોરીનો પ્લાન કર્યો હતો અને કાલુપુર વિસ્તારમાં આવેલી વિજય કો-ઓપરેટિવ બેંકમાં ચોરી કરી હતી.આરોપી વિમલ બેંકમાં પ્યુન હતો અને જાવીદ તેનો મિત્ર હતો. ચોરી કરવા વિમલ એ પ્લાન બનાવ્યો અને સાથે ચાવીઓ પણ જાવીદ ને આપી. સાથે જ વિમલે સીસીટીવી પણ બંધ કર્યા હતા. ચોરી કરતા સમયે આરોપી એક જ બેગ લઈ ગયો હોવાથી બેંકમાં પડેલી બાકીની રકમ ભરી શક્યો નહોતો અને માત્ર નવ લાખ રૂપિયાની રોકડ બેગમાં આવતા તે લઈ રવાના થઇ ગયો હતો. પરંતુ બેંકમાં તમામ પ્રકારની મદદ અને ચોરી કરવાનો પ્લાનિંગ વિમલે કર્યો અને અંજામ જાવીદ સંધીએ આપ્યો હતો. એટલું જ નહીં ચોરી કરેલા રૂપિયા લઇ આરોપીઓ ગોવામાં કેસીનોમાં જુગાર રમવા ગયા હતા. આરોપી જાવીદ અગાઉ સ્પા ચલાવતો હતો અને તેમાં રેડ થઈને તેના પર કેસ થયો હતો. તો ફરી સ્પાનો બિઝનેસ શરૂ કરવા રૂપિયાની જરૂર ઉભી થતા જાવીદે તેની મહિલા મિત્ર પાસે લાખો રૂપિયા પણ લીધા હતા. એકતરફ ગોવા મા કસીનોમાં હાર અને મહિલા મિત્રને આપવાના નીકળતા રૂપિયાએ આ બંનેને ચોરીનો અંજામ આપવા મજબુર કરી દીધા હતા. આરોપીઓ પાસેથી બે લાખ પોલીસે કબ્જે કર્યા છે. જ્યારે કેટલાક રૂપિયા મહિલા મિત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તે બાબતે તપાસ શરૂ કરાઇ છે.આરોપી પોતાના વાહનમાં બેગ લઈને જતો સીસીટીવીમાં નજરે પડયો હતો. જેના આધારે પોલીસે શહેરના સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજની તપાસ કરતા આરોપી સુધી પહોંચવામાં ખૂબ જ મદદ મળી રહી હતી. હાલ તો પોલીસે બે લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. ત્યારે આ ઘટનામાં એ વાત નક્કી છે કે, આરોપીઓએ ગોવામાં કસીનોમાં હારી જતા અને ફરી એક વખત મહિલા મિત્રના સંપર્કમાં આવી મોટું સ્પા સેન્ટર ખોલવાના ઈરાદે આ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.