1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 ઑક્ટોબર 2023 (17:01 IST)

RUPAL PALLI - રૂપાલ ગામના તમામ રસ્તાઓ પર ઘીની નદીઓ

rupal palli
rupal palli

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી યોજાઈ. નોમની રાતે પરંમપારાગત પલ્લી યોજાઈ હતી. ગાંધીનગરમાં રૂપાલમાં માતાજીની પલ્લી પર હજારો કિલો ઘીનો અભિષેક કરાતા ઘીની નદીઓ વહેવા લાગી હતી. પાંડવ કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામના લોકો પલ્લી કાઢવામાં આવી હતી.  રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીનાં દર્શનનો લહાવો લેવા હજારો લોકો ઊમટ્યા હતા. વરદાયિની માતાજીની પલ્લી છેલ્લાં 5 હજાર વર્ષથી કાઢવામાં આવે છે. આ પલ્લી મહોત્સવ વિશ્વભરમાં વિખ્યાત છે
rupal palli
rupal palli
નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખાણાય છે, તેટલી જ રૂપાલની પલ્લી પણ પ્રખ્યાત છે. માતાની પલ્લી પર લાખો લિટર ઘી ચઢાવાતું હોય, અને તેની નદીઓ ગામની ગલીઓમાં વહેતી હોય... તેવા દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળે છે. રૂપાલની પલ્લીને જોવા માટે દેશવિદેશમાંથી લોકો આવે છે. આસો સુદ નોમના રાત્રે આ પલ્લી નીકળે છે.
 
પલ્લી એટલે શું ?
 
પલ્લી શું છે, એવો સવાલ બધાને થાય છે. પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યાર બાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી. હવે રૂપાલ ગામના દરેક સમાજના લોકો સાથે મળીને પલ્લી બનાવે છે. પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે.  પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે. તો પંચાલ સમાજના લોકો માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે. ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે. કહી શકાય કે  આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતિક છે.   
rupal palli
rupal palli
માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થઈ હતી.  રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે.  આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરાયો હતો. વહેલી સવાર થતાં જ રૂપાલ ગામના તમામ રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  સમગ્ર ગામમાં ફર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ પલ્લી પૂર્ણ થાય છે. આ પલ્લીના દર્શન માટે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારત સહિત વિદેશમાંથી પણ ભક્તો આવે છે.