શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 18 જૂન 2024 (15:44 IST)

ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોનો હલ્લાબોલઃ પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

TET-TAT pass candidates demand permanent recruitment,
TET-TAT pass candidates demand permanent recruitment,
ગુજરાત સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરી છે. આજે ગાંધીનગર TET-TAT પાસ થયેલા ઉમેદવારોએ કાયમી ભરતી કરવાની માગ સાથે હલ્લાબોલ કર્યો હતો. ગાંધીનગરના પથિકાશ્રમ પાસે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.વિરોધ પ્રદર્શિત કરી રહેલા ઉમેદવારોએ 'કુબેર ડીંડોર હાય હાય'ના નારાઓ લગાવી જ્ઞાન સહાયક બંધ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગ કરી છે. 
 
પોલીસે ટીંગોટોળી કરી પોલીસના વાહનોમાં બેસાડ્યા 
રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે કાયમી સરકારી નોકરીની આશા સાથે ટેટ-ટાટ પાસ કરનાર હજારો ઉમેદવાર કાયમી ભરતી થાય તેની રાહ જોઈ રહ્યા છે. હવે ધીમેધીમે ઉમેદવારોની ધીરજ ખૂટી રહી છે.રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે ગાંધીનગરમાં એકઠા થયેલા TET-TAT પાસ ઉમેદવારોએ હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. ઉમેદવારોએ વિરોધ કરતા પોલીસે ટીંગોટોળી કરી પોલીસના વાહનોમાં બેસાડ્યા હતા.
 
90 હજાર TET-TAT પાસ ઉમેદવારોને કાયમી નોકરી આપો
ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોના આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જોડાયા હતા મેવાણીએ કહ્યું હતું કે, ગુજરાત સહિત ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન ચરમસીમાએ છે. રાજ્ય સરકાર ખાલી પડેલા પદો પર તો ભરતી કરતી નથી. TET-TATના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે 90 હજાર TET-TAT પાસ ઉમેદવારોને કાયમી નોકરી આપો.જો સરકાર આ અંગે તાત્કાલીક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરીશું.
 
સરકારે હૈયાધારણ આપ્યા બાદ પણ ભરતી કરી નથી
આંદોલન કરી રહેલા મહિલા ઉમેદવારે કહ્યું હતું કે, જો અમારી કાયમી ભરતી કરશે અને અમે બાળકોને શિક્ષિત કરીશું તો તે સરકારને સવાલ કરતા થશે. તે ડરના કારણે સરકાર અમારી ભરતી કરતી નથી. હાઈકોર્ટમાં પટાવાળાની ભરતી થાય, પોલીસની ભરતી થાય તો પછી શિક્ષકોની કાયમી ભરતી કેમ ન થાય? વિરોધ પ્રદર્શિત કરી રહેલા ઉમેદવારોએ 'કુબેર ડીંડોર હાય હાય'ના નારાઓ લગાવી જ્ઞાન સહાયક બંધ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગ કરી છે. ઉમેદવારોએ કહ્યું હતું કે, સરકારે હૈયાધારણ આપ્યા બાદ પણ ભરતી કરી નથી.