શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ઑગસ્ટ 2022 (14:57 IST)

જામનગરમાં અજાણ્યા બાઈક સવારે સગર્ભા મહિલા અને તેના બાળકને અડફેટે લીધા

jamnagar
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ગણપતિના મંદિર નજીકથી બે વર્ષના પુત્ર સાથે પસાર થતી સગર્ભા મહિલાને પૂરઝડપે બેફીકરાઇથી આવતા બાઈકસવારે ઠોકર મારી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં બે વર્ષના બાળક અને ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજ્યાના બનાવમાં મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

ગમખ્વાર અકસ્મતના બનાવની વિગત મુજબ, મૂળ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પરીયેજ ગામના વતની અને હાલ જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે ગણપતિના મંદિર પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતાં હંસાબેન અમરભાઈ વાંજા ઉ.32 નામની સગર્ભા મહિલા શુક્રવારે સવારના સમયે તેના બે વર્ષના પુત્ર સાગરને તેડીને તેણીના ઘરે જતી હતી ત્યારે જીજે-10-ડીસી-2564 નંબરના બાઈકસવારે તેનું બાઈક પૂરઝડપે બેફીકરાઈથી ચલાવી મહિલાને પાછળથી હડફેટે લઈ ઠોકર મારતા સગર્ભા મહિલા પુત્ર સાથે જમીન પર પટકાઈ હતી. આ અકસ્માતમાં બે વર્ષના બાળક સાગરને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સગર્ભા મહિલા પટકાતા પેટ દબાઇ જવાથી ગર્ભમાં રહેલ સાડા છ માસના બાળકનું પણ મોત નિપજ્યું હતું.ગમખ્વાર અકસ્માતમાં ગર્ભમાં રહેલા અને સાથે રહેલા બંને સંતાનોના કરૂણ મોત નિપજતાં માતા ઉપર આભ તૂટી પડયું હતું અને એક સાથે બબ્બે સંતાનોના મોત નિપજતા પરિવારમાં શોકનુંમોજું ફરી વળ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરતા હેકો આર.ડી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી બાઇકસવારની શોધખોળ અને ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.