દમણમાં મોપેડ પર બેસી પિતા સાથે વાત કરતાં કરતાં જ હાર્ટ એટેક આવ્યો, હોટેલ સંચાલક અચાનક ઢળી પડ્યાં
ગુજરાત સહિત દેશભરમાં અનેક લોકોને અચાનક હાર્ટ-એટેક આવતાં ઘટનાસ્થળે જ તેમનાં મોત નીપજ્યાના બનાવો બન્યા છે. ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. એમાં એક હોટલ-સંચાલકને હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા મોપેડ પર બેઠાં બેઠાં અચાનક હાર્ટ-એટેક આવ્યો અને તેમનું મોત નીપજ્યું હતું.
વલસાડ જિલ્લાને અડીને.આવેલા સંઘ પ્રદેશ દમણના દેવકાની પ્રતિષ્ઠિત હોટલના માલિકને અચાનક હાર્ટ-એટેકથી થયેલા મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં આવેલા દેવકા તાઇવાડમાં રહેતા અને દેવકા વિસ્તારમાં આવેલી હોટલ સનરાઈઝ હોટલના સંચાલક દીપક ભંડારી નામની 52 વર્ષીય વ્યક્તિ ગઈકાલે સવારે 10થી 10:30ના સુમારે તેમની જ હોટલના કમ્પાઉન્ડમાં મોપેડ પર બેસીને તેમના પિતા જોડે વાતો કરતા હતા. ત્યારે અચાનક તેઓ મોપેડ ઉપરથી નીચે ઢળી પડયા હતા. આથી દીપકભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની મરવડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામ આવ્યા હતા, જ્યાં હાજર ડોકટરે દીપકભાઈને મૃત જાહેર કર્યા હતા.હોટલ-માલિકના અચાનક મોતની સમગ્ર ઘટના હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી.
52 વર્ષીય અને શરીરે સ્વસ્થ હોટલ-સંચાલકના અચાનક મૃત્યુથી હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો, મિત્ર વર્તુળ અને તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં છેલ્લા 2 મહિનામાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં હસતાં-રમતાં-ડાન્સ કરતાં, પારિવારિક પ્રસંગમાં બેઠાં-બેઠાં જુવાનજોધ લોકોએ અચાનક જીવ ગુમાવી દીધો હોય અને પાછળ પરિવારનો આક્રંદ અને સેંકડો સવાલ છોડી ગયા છે.