રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (10:08 IST)

અફઘાનિસ્તાન : કાબુલમાં લગ્નોત્સવ દરમિયાન વિસ્ફોટમાં 60થી વધુ લોકોનાં મૃત્યુ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન દરમિયાન કરાયેલા બૉમ્બ-વિસ્ફોટમાં 60 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 180 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે. આ હુમલો શહેરના શિયા સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારમાં થયો છે.
 
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ આ હુમલાની નિંદા કરી છે. સોશિયલ મીડિયા પર શૅર કરાયેલી તસવીરોમાં ઘટનાસ્થળોની બહાર આક્રંદ કરતી મહિલાઓ જોઈ શકાય છે.
હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તાલિબાને પણ હુમલાની જવાબદારી સ્વીકારવાની ના પાડી દીધી છે.
 
કેવી રીતે થયો હુમલો?
 
અફઘાનિસ્તાનમાં લગ્ન દરમિયાન સામાન્યપણે મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહે છે, જેઓ એક મોટા હૉલમાં ભેગા થાય છે. આ હૉલમાં મહિલાઓ અને બાળકો તેમજ પુરુષોના કક્ષ અલગ-અલગ હોય છે.
લગ્નમાં સામેલ થયેલા એક મહેમાન મોહમ્મદ ફરહાગનું કહેવું છે કે જ્યારે તેઓ મહિલાઓના કક્ષમાં હતા, ત્યારે પુરુષોના કક્ષમાંથી ધડાકાનો અવાજ સંભળાયો હતો.
 
"આશરે 20 મિનિટની અંદર હૉલમાં ધુમાડો જ ધુમાડો જોવા મળી રહ્યો હતો. પુરુષોના કક્ષમાં મોટાભાગના લોકોનાં મૃત્યુ થયા હતા અથવા તો તેઓ ઘાયલ થયા હતા."
 
અહીં મિરવાઇઝ નામની વ્યક્તિનાં લગ્ન થઈ રહ્યાં હતાં. સ્થાનિક ટીવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું, "મારો પરિવાર, મારી દુલ્હન અને અમે આઘાતમાં છીએ."
 
"તેઓ હાલ બોલી શકવાની સ્થિતિમાં પણ નથી. મારી દુલ્હન વારંવાર બેભાન થઈ જાય છે."
 
"મેં મારા ભાઈને ગુમાવી દીધો. મારા મિત્રોને ગુમાવી દીધા, મારા સંબંધીઓને ગુમાવી દીધા."
 
"હવે હું જીવનમાં ક્યારેય ખુશી નહીં જોઈ શકું."
 
આત્મઘાતી હુમલો
 
તાજેતરમાં અફઘાનિસ્તાનમાં કેટલાય મોટા આત્મઘાતી હુમલાઓ થયા છે. ચાલુ મહિને કાબુલની બહાર એક પોલીસ ચોકીને નિશાન બનાવવામાં આવી હતી. જેમાં, 150થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
તાલિબાને એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. એક તરફ જ્યાં તાલિબાન અને અમેરિકા વચ્ચે અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત કરવાના મામલે ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ આ પ્રકારના મોટા હુમલા કરાઈ રહ્યા છે.
 
અહેવાલો અનુસાર, અમેરિકા અને તાલિબાન ટૂંક સમયમાં શાંતિસમજૂતીની જાહેરાત કરી શકે છે.