રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 3 મે 2019 (11:40 IST)

હાર્દિક પંડ્યાની એ સિક્સ જેના કારણે મુંબઈ સામે હૈદરાબાદ હારી ગયું

ગુરુવારના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મૅચની જીત મુંબઈના ખાતે રહી. આ સાથે જ તેણે પ્લેઑફની ટિકિટ પણ મેળવી લીધી. મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કૅપિટલ બાદ પ્લેઑફમાં પહોંચનારી આ ત્રીજી ટીમ છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચ ટાઈ થઈ હતી. ત્યારબાદ સુપરઓવરમાં મુંબઈ બાજી મારી ગઈ.
 
સુપર ઓવરમાં હૈદરાબાદની ટીમ મોહમ્મદ હનીફની એક સિક્સ સાથે આઠ રન બનાવી શકી. મુંબઈના બૉલર જસપ્રીત બુમરાહે ચોથા બૉલમાં નબીને આઉટ કરી ટીમમાં ઉત્સાહ ભરી દીધો. સુપરઓવરમાં મુંબઈને જીતવા માટે નવ રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાએ સાત અને કિરેન પોલાર્ડે બે રન બનાવી મુંબઈને જીત અપાવી.
સુપરઓવરમાં લેગ સ્પિનર રાશિદ ખાનના પ્રથમ બૉલમાં જ પંડ્યાએ સિક્સ મારી. ત્યારબાદ એક રન લઈ પોલાર્ડને સ્ટ્રાઇક આપી જેમણે મૅચ જિતાડી દીધી.
 
મૅચ ટાઈ
 
મૅચની શરૂઆતમાં મુંબઈ ઇન્ડિયન્સે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા. જવાબમાં હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા. હૈદરાબાદના મનીષ પાંડેએ અણનમ 71 રન અને મોહમ્મદ નબીએ 31 રન બનાવ્યા. મુંબઈથી રોહિત શર્માએ 24 અને સૂર્યકુમાર યાદવે 23 રન બનાવ્યા.હાર્દિક પંડ્યાએ 10 બૉલમાં એક છગ્ગા અને એક ચોગ્ગા સાથે 18 રન બનાવ્યા
રોમાંચક મુકાબલો 
 
મુંબઈ ઇન્ડિયન્સે જસપ્રીત બુમરાહ, કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ ઝડપી હતી. બન્ને ટીમના રોમાંચક મુકાબલાને લીધે દર્શકોમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. બીજી તરફ મુંબઈ ટીમનાં માલિક નીતા અંબાણી ટીમની જીત માટે પ્રાર્થના કરતાં પણ જોવા મળ્યાં હતાં.
 
પ્લઑફમાં શું થશે?
 
મુંબઈની જીત સાથે જ આઈપીએલ-12ના અંકોનું સમીકરણ ઉકેલાતું જાય છે. જોકે, પ્લેઑફમાં પહોંચનારી ચોથી ટીમ કઈ હશે તે કહેવું મુશ્કેલ છે. ચેન્નઈ સુપરકિંગ્સ 13 મૅચમાંથી નવ જીતી 18 અંકો સાથે પ્રથમ સ્થાને છે. મુંબઈ ઇન્ડિયન્સ ગુરુવારની જીત બાદ દિલ્હીને પાછળ મૂકી 13 મૅચમાંથી આઠ જીતી 16 અંકો સાથે બીજા સ્થાને છે. દિલ્હીની ટીમ 13માંથી આઠ મૅચ જીતી 16 અંકો સાથે ત્રીજા નંબરે અને હૈદરાબાદની ટીમ 13માંથી છ મૅચ જીતી 12 અંકો સાથે ચોથા સ્થાને છે. શુક્રવારના રોજ મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટરાઇડર્સ વચ્ચે મૅચ રમાશે. બન્ને ટીમ 12-12 મૅચમાંથી પાંચ જીતી 10 અંકો પર છે.