રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 જૂન 2021 (15:44 IST)

મંત્રીને મળવા જતા કોંગ્રેસના ત્રણ MLAને સિક્યુરિટી ગાર્ડે અટકાવી કહ્યું જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એવા લલિત કગથરા, કિરીટ પટેલ અને લલિત વસોયા આજે સ્વર્ણિમ સંકુલમાં-1માં રજૂઆત કરવા મંત્રીને મળવા માટે ગયા હતા. મંત્રીને મળવા માટે પહોંચેલા કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યોને ફરજ પરના પોલીસ જવાને અટકાવી અસભ્ય વર્તન કરતા મામલો બિચક્યો હતો. જેનાં પગલે ધારાસભ્યો ધરણા પર બેસી ગયા હતા. જો કે ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. તો બીજી તરફ સલામતી શાખાના પીએસઆઇ એમ.બી. સાલ્વીએ દાવો કર્યો હતો કે ધારાસભ્યો દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હોવાથી મામલો બિચક્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મંત્રી મળવા માટે પહોંચેલા ધારાસભ્યો ત્રણેય ધારાસભ્યને સાથે ફરજ પરના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરે અટકાવ્યા હતા. આથી ધારાસભ્યોએ મંત્રીને મળવાની વાત કરી હતી. આમ છતાં પોલીસ જવાને તેમને અંદર પ્રવેશ આપ્યો નહોતો. થોડી વાતચીત દરમિયાન મામલો હુસા તુસી પર આવી ગયો હતો. તે દરમિયાન પોલીસ જવાન એકદમ અકળાઈને ધારાસભ્યો સાથે અસભ્ય વર્તન કરીને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેવા માટે કહેવા લાગ્યો હતો. જેથી સ્વર્ણિમ સંકુલમાં વાતાવરણ તંગ બની ગયું હતું.ધારાસભ્ય અને પોલીસની માથાકૂટ જોઈને સ્વર્ણિમ સંકુલમાંથી લોકો પણ આ તમાશો જોવા માટે દોડી આવ્યા હતા. આખરે ત્રણેય ધારાસભ્યોએ સ્થળ પર જ ધરણા શરૂ કર્યા હતા. આ વાત વાયુવેગે પ્રસરી જતાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. જેમની દરમિયાનગીરીથી મામલો થાળે પડતાં ધારાસભ્યોએ તુરંત જ ધરણા સમેટી લીધા હતા.બીજી તરફ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ બાબતની ગંભીર નોંધ લઈ નિવેદન આપ્યું હતું કે કોઈ પણ ધારાસભ્યનું સન્માન જળવાવું જોઈએ. સિક્યુરિટીએ વિવેકથી વાત કરવી જોઈએ. જ્યાં ધ્યાન દોરવાનું છે ત્યાં હું જાણ કરીશ અને બીજીવાર આમ ન બને તે માટે સૂચના આપીશ.