ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 જુલાઈ 2018 (11:20 IST)

સુરત - વરસાદી પાણીમાં બાળક તણાઈને ખુલ્લી ગટરમાં પડતા મોત

સુરતના નાના વરાછા વિસ્તારમાં વરસાદી પાણીની ભમરીમાં બાળક તણાતા ગટરમાં પડી ગયું હતું. બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો હતો.  રવિવારે બપોરે જોરદાર વરસાદ વરસતા ભરાયેલા પાણીમાં રમવા નીકળેલા ચાર બાળકોમાંથી એક પાણીના પ્રવાહમાં ખેંચાયા બાદ કૂંડીમાં તણાઈ ગયો હતો. નાનાવરાછા, છીપવાડ મહોલ્લા પાસેના રામજી મંદિર રોડ મદીના મસ્જિદ પાસે વરસાદી પાણીના નિકાલ માટેની કૂંડી પરનું ઢાંકણું હટાવી દીધું હોય આ ઘટના બની હતી. આ ઘટનાને નજરે જોનારા લોકોએ બાળકને બચાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળતા મળતા ફાયરબ્રિગેડને જાણ કરાતા બાળકને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
 
બાળકનું નામ રોહન ભીલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોતાનો પુત્ર ગટરમાં પડી જવાની જાણ થતાં માતાના રૂદનથી દરેકનું હૈયુ કાંપી ઉઠ્યુ હતુ.  પાલિકાએ સ્થાનિક વિસ્તારના દુકાનદારે ઢાંકણું ખોલતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. જ્યારે સ્થાનિકો પાલિકાના જ કોઈ કર્મચારીએ ગટરનું ઢાંકણું ખોલી નાખ્યું હોવાનું કહી રહ્યાં છે. હવે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.
 
બાળક રોહન જે ગટરમાં પડ્યો તેનો ઈનલેટ ચેમ્બરનો વ્યાસ બે થી અઢી ફૂટ છે. રોહન તેમાં આસાનીથી ગરકાવ થઈ ગયા બાદ 450 એમએમ (દોઢ ફૂટ)ની પાઈપ લાઈનમાંથી પસાર થઈ ને 1800 એમએમ (છ ફૂટ) મોટી સ્ટ્રોર્મ ડ્રેઈનમાંથી તણાઈ ને છેક રામજી ઓવારા પાસેના આઉટલેટ બહાર પાણીના વહેણમાં ખેંચાઇ ગયો હતો. રોહન જ્યાં પડ્યો તે રોડ પર ઢાળ હોવાને કારણે વહેણ વધુ હતું. આ આખી ઘટના સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.