1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (13:23 IST)

ભરૂચમાં રોંગ સાઈડમાં આવતી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી, ઘટના સ્થળે ચાર લોકોના મોત

bharuch accident news
bharuch accident news
ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવતી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી. જેથી કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. આમોદના સુડી ગામના એકજ ફળિયાના ચાર યુવાનોના મોતને પગલે ગામમાં માતમ છવાયો હતો. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચના કેલોદ ગામ નજીક આવેલ મંદિર પાસે આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આમોદના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો નિત્ય ક્રમ મુજબ ભરૂચ નોકરી પર ગયા હતા. ભરૂચના રવિ રત્ન મોટર્સમાં અને શોરૂમમાં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા. ત્યાંજ કેલોદ ગામની ભૂખી પાસે સામેથી આવતા હાઈવા ટ્રક અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેને પગલે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયુ હતું. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ સુડી ગામમાં થતા કોલાહલ મચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર એક જ ફળિયાના ચાર આશાસ્પદ યુવાનોના મોત થતા માતા-પિતા સહિત પરિવારજનો ઉપર આભ ફાટી પડયું હતું. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.