રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 માર્ચ 2022 (12:44 IST)

ઇડરના વિદ્યાર્થીએ વર્ણવી આપવિતી: સાબરકાંઠા જિલ્લાના ૮ વિદ્યાર્થીઓ પૈકી ઇડરના બળવંત પ્રજાપતિનું યુક્રેનથી પુનરાગમન

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઈટ દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યાં હતાં. જે પૈકી સાબરકાંઠાના ઇડરના વિદ્યાર્થીને ખાસ વાહન મારફતે મુંબઇ થી અમદાવાદ અને ત્યાં થી પોત- પોતાના ઘરે પહોંચતા આ વિદ્યાર્થીના અને તેમના માતાપિતા ભાવુક થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. સંતાનો સાથે સુખદ પુન:મિલન થતાં પરીવારજનોમાં આનંદની કોઈ સીમા ન રહી હતી. સંતાન પરત ફરતા જ પરિવારજનોને હાશકારો થયો હતો, અને સૌ પરીવારજનોએ ભારત પરત આવવાની વિમાની વ્યવસ્થા ગોઠવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.
 
સાબરકાંઠા ઇડર શહેરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા જયપાલ પ્રજાપતિનો પુત્ર બળવંતે વર્ષ ૨૦૧૯માં મેડિકલમાં યુક્રેનના ચર્નિવિન્સી શહેરમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધની પરિસ્થિતનું નિર્માણ થતા પરીવારજનોનો જીવ તાળવે ચોટી ગયો તેમણે સામાચારોના માધ્યમથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબરના માધ્યમથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો જયાં તેમણે તેમના પુત્રને ભારત પરત આવનાર પ્રવાસીઓની યાદીમાં નામ હોવાનું જાણી હાશકારો અનુભવ્યો હતો.
 
ભયાવહ પરિસ્થિતિમાંથી બહાર આવેલ બળવંત જણાવે છે કે, અમારા ચર્નિવિન્સી શહેરથી યુક્રેનના કિવ શહેર ૫૦૦ કિ.મી દૂર હતી. અમારે કોઇપણે ભોગે ત્યાં પંહોચવાનું હતું અમે ૧૨ કલાક મુસાફરી કરી કિવ પંહોચ્યા ત્યારે ખબર પડી કે વિમાની સેવા બંધ છે. અમને ત્યાંથી રોમાનિયા સરહદે પંહોચવાની સૂચના અપાઇ તરત કિવથી બસ દ્વારા રોમાનિયા સરહદે પંહોચવાનો પ્રયત્ન કર્યો આ દરમિયાન ૨૦૦ કિમી લાંબી ટ્રાફિક જામ થઇ ગયુ હતું. 
 
પરંતુ અમે વહેલા નીકળ્યા હતા એટલે સમસ્યા નડી નહિ, અમે રોમાનિયા બોર્ડર પર પંહોચ્યા ત્યાંથી બસ દ્વારા રોમાનિયાની રાજધાની પંહોચતા ત્રણ કલાક લાગ્યા, રસ્તામાં મોબાઇલ ટાવરના નેટર્વક ઠપ્પ થઇ ગયા પરંતુ રોમાનિયા એરપોર્ટ વાઇફાઇથી વોટસએપ દ્વારા બે દિવસ બાદ ઘરે ફોન કરતા પરીવારજનોને રાહત થઇ, ત્યાં બાદમાં અમને નાસ્તો તેમજ કોલડ્રીંકસ અપાયા, ૪૮ કલાકના ૧૭૦૦ કિમી જેટલા પ્રવાસમાં પહેલી અમને કંઇક ખાવા મળ્યુ જયાં પાંચ કલાક રાહ જોયા બાદ ભારત સરકારના "એર ઇન્ડીયા"ની ફલાઇટમાં બેસતા જ જીવમાં જીવ આવ્યો ત્યાંથી અમે મુંબઇ પંહોચ્યા અને ગુજરાત સરકારની વોલ્વો બસ સેવાથી અમદાવાદ સુધી હેમખેમ પંહોચી ગયા.
 
હું અને મારા જેવા અન્ય  વિદ્યાર્થીઓને  વતન પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા ભારત અને ગુજરાત સરકાર કરી તેનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. જિલ્લા કલેકટર હિતેષ કોયાના દિશાનિર્દેશ મુજબ સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા આવા અન્ય વિધાર્થીઓને હેમખેમ પરત લાવવાના પ્રયત્ન કરાઇ રહ્યા છે. જે ખરેખર પ્રસંશનીય છે.