શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 ઑક્ટોબર 2021 (10:22 IST)

અમદાવાદની કોલેજમાં ભણતા પ્રેમી સાથે લગ્ન કરાવો અને તેની જ કોલેજમાં એડમિશન અપાવો નહીં તો આપઘાત કરીશ

છોકરાની ઉંમર પુખ્ત વયની નહીં હોવાથી પરિવારે લગ્ન કરાવવા ઈનકાર કર્યો હતો
હેલ્પલાઈનની ટીમે કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો
 
સમાજમાં દીકરો અથવા દીકરી યુવા વયના થાય ત્યારે માતા-પિતાની ચિંતા વધી જાય છે. પ્રેમના નામે તેઓ આંધળા બનીને માતા-પિતાની સામે થઈ જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. યુવતીએ પોતાના પ્રેમીએ જે કોલેજમાં એડમિશન લીધું છે એ જ કોલેજમાં એડમિશન લેવાની જીદ પકડી હતી. તે ઉપરાંત તેની સાથે જ લગ્ન કરવા પણ માતા પિતા પર દબાણ કર્યું હતું. છોકરો લગ્ન માટે પુખ્ત વયનો નહીં હોવાથી લગ્નના ના પાડતા દીકરી જીદે ચઢી હતી. 
 
અમદાવાદમાં મહિલા હેલ્પલાઇન અભયમ 181માં ફોન આવ્યો હતો કે મારી દીકરીની ઉંમર 18 વર્ષની છે અને ખોટી જીદ કરે છે. અમારા કહ્યામાં નથી જેથી હેલ્પલાઇનની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી. જ્યાં તેની માતાએ જણાવ્યું હતું કે મારે બે દીકરીઓ છે. દિવાળીમાં બહાર ફરવા જવાનો અમે પ્લાન બનાવ્યો હતો. પરંતુ મોટી દીકરી બહાર ફરવા સાથે આવવાની ના પાડી હતી. હેલ્પલાઈનની ટીમે દીકરીનું કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. દીકરીને મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ વિશે ખ્યાલ આપ્યો હતો. તેમજ તેની ઉંમર હાલમાં ભણવા માટેની છે તેમ પણ સમજાવ્યું હતું.
 
હેલ્પલાઇનની ટીમે દીકરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે મારે ધો. 12માં 90 ટકા આવ્યા છે અને મારે મનગમતી કોલેજમાં એડમિશન લેવું છે. જેથી તેમના માતા-પિતાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તેમની દીકરીને છેલ્લા 3 વર્ષથી યુવક સાથે પ્રેમસંબંધ છે. તેના પ્રેમીએ જે કોલેજમાં એડમિશન લીધું છે એ જ કોલેજમાં એડમિશન લેવા કહે છે. બીજી કોલેજમાં એડમિશન માટે ના પાડે છે અને જો તેની જ કોલેજમાં એડમિશન ના અપાવે તો તેના પ્રેમી સાથે લગ્ન કરાવવાની જીદ કરે છે. 
 
દીકરીના પ્રેમીની ઉંમર 18 વર્ષની છે. પ્રેમીની ઉંમર પુખ્ત વયની નહીં હોવાથી લગ્ન કરાવી શકાય નહીં અને સાથે અભ્યાસ પણ ન કરી શકે માટે એક જ કોલેજમાં એડમિશનની ના પાડી હતી. જો એની બંને પ્રકારની જીદ નહીં પુરી કરીએ તો આપઘાત કરવાની ધમકી આપે છે. જેથી મહિલા હેલ્પલાઇન અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી સમજાવી હતી કે હિન્દુ મેરેજ એકટ મુજબ યુવકની લગ્ન કરવાની ઉંમર ઓછી છે જેથી લગ્ન કરી શકે નહીં. તેઓ હાલમાં અભ્યાસમાં ધ્યાન આપે તે જરૂરી છે. જેથી યુવતીએ પણ પોતાની રીતે હવે અભ્યાસમાં ધ્યાન આપવાની બાંયધરી આપી હતી.