રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 ફેબ્રુઆરી 2021 (13:18 IST)

કલેકટર ઓફિસની અંદર પણ ભીડ બહાર પણ ભીડ, કલેકટર ઓફિસમાં ગાઇડલાઇનના લીરેલીરા

ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

મહાનગરપાલિકાની ચૂંટણીનાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ચૂંટણીમાં ફોર્મ ભરવાના બે દિવસ પહેલા અમદાવાદ કલેકટર ઓફિસ બહાર ચૂંટણીને લઈ કોઈ માહોલ ન હતો. પરંતુ આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કલેકટર ઓફિસ બહાર લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. ઉમેદવાર સાથે તેમના સમર્થકો કલેકટર ઓફિસ ખાતે પહોંચ્યા છે. ફોર્મ ભરવા માટે ઉમેદવાર સાથે માત્ર બે કે ત્રણ લોકોની પરવાનગી છતાં 30થી વધુ લોકો સાથે ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચી ગયા છે. લોકોના ટોળા ભેગા થતા કલેકટર કચેરીના દરવાજા બંધ કરવાની ફરજ પડી છે. માત્ર ઉમેદવારને જ પ્રવેશ આપવામા આવી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો પણ ગણ્યાગાંઠ્યા સમર્થકો સાથે કલેકટર ઓફિસ પહોંચ્યા છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર મોડા જાહેર થતા આજે સવારથી કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા માટે બંને પક્ષ અને અપક્ષો સહિત અન્ય પાર્ટીના ઉમેદવાર પહોંચ્યા છે. લોકોના ટોળા બહાર જામ્યા છે. સામાન્ય વેપારીઓ કે લોકોને ત્યાં 2 લોકો ભેગા થાય તો સોશિયલ ડિસ્ટન્સના નામે પોલીસ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી દે છે જો કે આજે કલેકટર ઓફિસમાં ગાઇડલાઇન ભંગના દ્રશ્યો ઉભા થયા છે ત્યારે શું ત્યાં નિયમો લાગુ નથી પડતા? સમર્થકો સાથે ભેગા થઈને આવેલા ઉમેદવાર કે લોકો સામે કાર્યવાહી કરશે? અમદાવાદ સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ભીડ જામી છે. રાજ્ય ચૂંટણીપંચની કોરોનાની ગાઈડલાઈન્સના પાલનની રાજકીય પક્ષોએ ઐસી કી તૈસી કરી નાખી છે. કલેકટર ઓફિસમાં ઉમેદવાર સાથે 10-10 લોકોનાં ટોળાં કલેકટર ઓફિસ ખાતે ઊમટી પડ્યાં છે. ચૂંટણી અધિકારીની ઓફિસની બહાર જ 50 લોકોનાં ટોળાં જામ્યાં છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર છેલ્લી ઘડીએ જાહેર થતાં તેમજ અન્ય પક્ષના ઉમેદવાર પણ આવતાં આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવા પડાપડી થઈ છે. કલેકટરની ચેમ્બરની બહાર જ લોકોનાં ટોળાં જોવા મળી રહ્યાં છે.