બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (10:25 IST)

આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાત જળબંબાકાર, અમદાવાદમાં સામાન્ય વરસાદ થઈ શકે

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાયક્લોનિક સરકયુલેશન દક્ષિણ ગુજરાત પર છવાયું છે. પ્રથમ દિવસે ભારેથી અતિ ભારે કહી શકાય તેવો વરસાદ સુરત, નવસારી, વલસાડમાં વરસી શકે છે. જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ ભરૃચ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસશે. તે ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે.

દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો વરસાદથી વંચિત છે. હવે ધીરે ધીરે બંગાળના ઉપસાગરનું વહન ઓરિસ્સાથી મધ્યપ્રદેશ તરફ આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થશે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આજે સવારે 6 થી 8 વાગ્યાના ગાળામાં રાજ્યમાં 19 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થયો છે.  છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 99 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થયો છે. ઉમરગામ, વાપી કામરેજ, બારડોલી, પલસાણામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં માત્ર વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. આજે સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાં પડ્યાં હતાં.