આજથી બે દિવસ કમોસમી વરસાદની શક્યતાને પગલે ખેડુતોને સતર્ક રહેવા સુચના
સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. ૧૦ અને ૧૧ ડિસેમ્બર દરમિયાન રાજયના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવેલ છે, જેને ધ્યાને લઇ ખેડુતોને ઉભા પાક તેમજ ઉત્પાદિત ખેત પેદાશના રક્ષણ માટે જરૂરી કાળજી રાખવા સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયુ છે.
જે અન્વયે ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલ પાક એટલે કે ખેત પેદાશ અને ધાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી, એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો ઢાંકીને લઈ જવી અથવા તો શક્ય હોય તો હવામાન ખાતાની આગાહી હોઈ તેવા સમયે ખેત પેદાશ વેચવાનું ટાળવું, બાગાયતી પાકોમાં જેમ કે શાકભાજી, ફળો, મરી મસાલા વગેરેના સલામતી માટે પણ કાળજી લેવી તેમજ શિયાળુ ઉભા ખેતપાકોમાં શક્ય હોય તો પિયત ટાળવું તેમજ કમોસમી વરસાદ થાયતો જરુરી પાક સંરક્ષણના પગલાં લેવા તેમજ ખેતી ઈનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવા વધુમાં જણાવાયું છે.