ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 એપ્રિલ 2019 (20:55 IST)

અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું - કહ્યું 'વિશ્વાસઘાત થયો'

અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસનાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે. મંગળવારે ઠાકોરસેનાએ ઠાકોર સમાજના ત્રણ કૉંગ્રેસી ધારાસભ્યો અલ્પેશ ઠાકોર (રાધનપુર), ધવલસિંહ ઝાલા (બાયડ) અને ભરતજી ઠાકોર (બેચરાજી)ને આહ્વાન કર્યું હતું કે પાર્ટી દ્વારા વારંવાર કાર્યકર્તાઓનું અપમાન થતું હોવાથી તેઓ કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખે.
આ પહેલાં માર્ચ મહિનામાં પણ અલ્પેશ ઠાકોરના રાજીનામાની વાત ચર્ચાઈ હતી. બાદમાં તેમને પાર્ટી દ્વારા મનાવી લેવાયા હતા. બીજી બાજુ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર મંગળવારે ભાજપમાં જોડાયા હતા.
ગુજરાતની બે લોકસભા બેઠક ઉપર ઠાકોર સમાજ નિર્ણાયક હોવાથી આ ઘટનાક્રમને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
 
MLAપદ પરથી રાજીનામું નહીં
રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું: "પાર્ટીમાં યુવાનોને સન્માનનીય સ્થાન મળે તેવી અમારી માગ હતી. અમને હતું કે કૉંગ્રેસ અમને પરિવાર તરીકે સ્વીકારશે, પરંતુ તેવું થયું નહીં એ વાતનું દુ:ખ છે."
 
"અમે ઠાકોર યુવાનો માટે જિલ્લા તથા તાલુકાસ્તરે પદ ઇચ્છતા હતા."
 
"આ માટે રાજીવ સાતવ અને મોવડીમંડળને અનેક વખત રજૂઆતો કરી હતી. તેમણે અમારી વાતો સાંભળી પરંતુ કોઈ ઉકેલ ન લાવ્યા."
 
"બનાસકાંઠા અને ઊંઝાની બેઠક ઉપર પ્રચાર કરીશ, પરંતુ કોઈના માટે કે કોઈની વિરુદ્ધમાં પ્રચાર નહીં કરીએ."
 
"હું તથા અન્ય કોઈ ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહીં આપીએ."
 
"ગરીબ લોકો અને સેનાનો એજન્ટ છું, ભાજપ કે અન્ય કોઈના માટે કામ નથી કરી રહ્યો. બે-પાંચ લોકો પાર્ટી ઉપર કબજો જમાવીને બેઠા છે અને ટિકિટ્સનું પણ વેચાણ થતું હતું."
 
આ અંગે પ્રતિક્રિયા આપતા વડનગરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બીબીસી ગુજરાતીને કહ્યું: "હાલ તો હું અલ્પેશ ઠાકોરને માત્ર એટલું જ કહેવા માગીશ કે ઠાકોર સમાજનું અહિત કરનાર ભાજપ સાથે ન જોડાશો."
આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના વડા અમિત ચાવડાએ કહ્યું, "અલ્પેશ ઠાકોરે તેમના રાજીનામાના પત્રમાં અને પત્રકાર પરિષદમાં જે પ્રકારની ભાષા વાપરી તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે પાયાના કાર્યકરોનું અપમાન કર્યું છે."
 
"કૉંગ્રેસે અલ્પેશ ઠાકોર તથા તેમના સાથીઓને કૉંગ્રેસના સંગઠનમાં અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન તક આપી હતી."
 
"કોઈ પક્ષ ક્યારેય સંપૂર્ણપણે એક વ્યક્તિની મરજીથી ન ચાલી શકે અને એવી અપેક્ષા પણ ન રખાય."અલ્પેશ અને કૉંગ્રેસ
 
વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઠાકોર કૉંગ્રેસમાં જોડાયા હતા બુધવારે કૉંગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોર ઑક્ટોબર-2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસમાં જોડાયા હતા.એ સમયે તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સરકાર રચવા માટે કામ કરવાની વાત કહી હતી. બીબીસી ગુજરાતીના કાર્યક્રમ 'ગુજરાતની વાત'માં રાધનપુર બેઠકના ધારાસભ્ય ઠાકોરે કહ્યું હતું કે રાહુલ ગાંધી 'ભાઈની જેમ' રાખે છે.
 
જોકે, ગુજરાતમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી ત્યારે ચર્ચા ચાલી હતી કે તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે. એ સમયે પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું, "હું ઇમાનદારીથી કહું છું કે મારે મંત્રી બનવું હતું. મને હતું કે હું મારા ગરીબ લોકો માટે કામ કરી શકીશ."ત્યારબાદ મંગળવારે મોડી સાંજથી ફરી એક વખત તેમના રાજીનામાની ચર્ચા ચાલી હતી.
 
સમગ્ર ઘટનાક્રમ અંગે TV9 સાથે વાત કરતાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું:
 
"અમે હંમેશાંથી કહ્યું છે અને અત્યારે પણ કહીએ છીએ કે જેને પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને નેતાગીરીમાં વિશ્વાસ હોય તેઓ આવકાર્ય છે."
 
બીજી બાજુ, સુરતમાં મીડિયા સાથે વાતચીતમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે ઠાકોર ભાજપ સાથે સંપર્કમાં નથી.